Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જૂનાગઢ પાસે દૂધના વાહનની જોરદાર ઠોકરથી પાણી ભરેલા ખાડામાં ખાબકતા બે બાઇક સવાર યુવકોના ડુબી જવાથી મોત

રાત્રીના ત્રણ વાગ્યે જૂનાગઢ પાસે સર્જાયેલા અકસ્માતમાં મોટર સાયકલનો બુકડો બોલી ગયો : મોટર સાયકલ સાથે અથડાયને છોટા હાથી નાલુ તોડીને ખાડામાં ખાબકયું : ફાયર બ્રિગેડે રાત્રે એક અને સવારે અન્ય એક યુવકનો મૃતદેહ કાઢયો

જૂનાગઢ : તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો તથા મૃતકો નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૨૦ : જૂનાગઢ પાસે મોડી રાત્રે દૂધના વાહન (છોટા હાથી)ની જોરદાર ઠોકરથી પાણી ભરેલા ખાડામાં ખાબકતા બે બાઇક સવાર યુવાનના ગંભીર ઇજા સાથે ડૂબી જવાથી મૃત્યુ થયા હોવાનું જાણવા મળેલ છે.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોટર સાયકલના કટકા થઇ ગયા હતા. છોટા હાથી વાહન નાલાની દિવાલ તોડીને ખાડામાં ખાબકયું હતું.

ફાયર બ્રિગેડના કર્મીઓએ અથાગ જહેમતથી રાત્રે એક યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો અને બીજા યુવકનો પત્તો નહિ લાગતા આજે સવારે ફરી શોધખોળ શરૂ કરતા અન્ય યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

બાઇક નીચે પાણી ભરેલા ખાડામાં ખાબકયું હતું અને તે સાથે બાઇક સવાર બે યુવાનો પણ આ ખાડામાં પડયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે મોટર સાયકલના કટકા થઇ ગયા હતા.

આ અંગેની જાણ થતા તાલુકા પોલીસે તેમજ જૂનાગઢ મનપાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ પરસોત્તમભાઇ ચૌહાણ, અરજણભાઇ નંદાણીયા, ઉમેશ સોલંકી, દેવાયતભાઇ સોલંકી, કનુભાઇ પરમાર, મિતેશભાઇ, ભગતસિંહ રાઠોડ અને નુરમહમદભાઇ દોડી ગયા હતા.

ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ મરનાર યુવાનો તાલાલા તાલુકાના આંકોલવાડી પાસેના સીરવાણ ગામના રહીમ દિલાબભાઇ ચોટીયારા (ઉ.૨૮) અને તાલીબ નુરમહમદભાઇ ચોટીયારા (ઉ.૧૯) હોવાનું જાણવા મળેલ.

બંને યુવાનોની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.

અકસ્માત બાદ છોટા હાથીનો ડ્રાઇવર નાસી ગયો હતો. પોલીસે સવારે ક્રેનની મદદથી વાહનને ખાડામાંથી બહાર કાઢયું હતું.

આ અકસ્માત અંગે તાલુકા પી.એસ.આઇ. ધોકડીયાના માર્ગદર્શનમાં ભૂપતસિંહ સિસોદીયા વગેરેએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 pm IST)