Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

14 નવેમ્બરની મધ્યરાત્રીથી યોજાશે ગરવા ગિરનારની લિલી પરિક્રમા !! : ભવનાથ ખાતે યોજાઈ મહત્વની બેઠક

પરિક્રમા કારતક સુદ પૂનમને શુક્રવાર તા.19 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવશે.

જૂનાગઢ: ગિરનાર પરિક્રમાને લઈને તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી નથી, ત્યારે આજ શ્રી જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટોના ઉતારા મંડળએ ભવનાથ ખાતે એક ખાસ બેઠક  યોજી હતી. કોરોના મહામારીની અસર ઓછી થઈ ગઈ હોય ત્યારે જૂનાગઢની જીવાદોરી સમાન પારંપારીક ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા યોજવી જોઈએ કારણ કે, સનાતન હિન્દુ સંસ્કૃતિની જાળવણીની બાબત હોય, ત્યારે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા સવંત 2078 ના કારતક સુદ અગિયારસ રવીવારને તા.14/11/2021ની મધ્ય રાત્રીથી સાધુસંતો, પદાધિકારીઓ અને અધિકારીઓને સાથે રાખીને સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવશે. આ પરિક્રમા કારતક સુદ પૂનમને શુક્રવાર તા.19/11/2021 નાં પૂર્ણ કરવામાં આવશે.


 આજરોજ શ્રી જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટોના ઉતારા મંડળએ ભવનાથ ખાતે એક ખાસ બેઠક યોજી સત્વરે આ બાબતે કોઈ અસરકારક નિર્ણય કરવા માટે જવાબદાર તંત્રને રજુઆત કરવામાં આવી હતી.ગિરિવર ગિરનારની લિલી પરિક્રમા બાબતની તકેદારી, વ્યવસ્થા અને આયોજન માટેની મિટિંગ સત્વરે કલેક્ટર-જૂનાગઢ બોલાવી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરે તેવી તાકીદ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ગિરનારમાં યોજાતી લિલી પરિક્રમાથી અનેક લોકોને રોજગારી મળી રહે છે. આ ઉપરાંત માત્ર જૂનાગઢની આજુબાજુથી નહિ પણ દૂરદૂરના અનેક ઉતારા મંડળો અહીં આવશે અને સેવાકાર્ય કરાશે. જેની તૈયારી માટે ખૂબ સમય જતો હોય છે, માટે સમય હવે ખૂબ ઓછો હોવથી જલ્દીથી જલ્દી પરિક્રમા અંગે કોઈ નીર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

(8:06 pm IST)