Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કાલે મોરબીમાં પૂ.જલારામબાપા જયંતિ ઉત્સવ

વિશેષ વ્યકિતઓના હસ્તે સરપ્રાઇઝ કેક કટીંગ : કોરોનાના કારણે આખો દિવસ પ્રસાદનું પેકીંગમાં વિતરણ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦: સંત સિરોમણી શ્રી પૂજય જલારામ બાપા ની ૨૨૧ મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશના ભકતજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૨૧-૧૧-૨૦૨૦ શનીવાર કારતક સુદ સાતમના રોજ પૂ.જલારામબાપાની ૨૨૧મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભકિતભાવ પૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૯ કલાકે પૂ. જલારામ બાપા નુ પૂજન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યકિતઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતીનુ આયોજન કરવામા આવ્યુ છે. કોરોનાની મહામારીના પગલે પ્રવર્તમાન વર્ષે મહાપ્રસાદને બદલે આખો દીવસ ભકતજનોને પ્રસાદ વિતરણ પેકીંગમાં કરવામાં આવશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યકિતઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામાં આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો,સાતમાં વર્ષે અનાથાશ્રમની બાળાઓ,આઠમાં વર્ષે કીન્નરો,નવમાં વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ દ્વારા કેક કટીંગ કરવામાં આવ્યુ હતુ.પ્રવર્તમાન વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યકિતઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામાં આવશે.

(11:18 am IST)