Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુરેન્દ્રનગરમાં ગુલાબી ઠંડીના પ્રારંભ સાથે જ રણમાં ૪૦ પ્રકારના વિદેશી પક્ષીઓનું આગમન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૦ : નવેમ્બર માસના બીજા સપ્તાહમાં શિયાળો ધીમે પગલે આગમન કરી રહ્યો છે. મોડી રાત્રે સહેજ ઠંડીનો અહેસાસ સહુ કોઈ કરી રહ્યા છે. સાથે જ યુરોપ તેમજ દેશના હિમાલય વિસ્તારોના પક્ષીઓની સફર શરૂ થઈ ગઈ છે. આફ્રિકા તરફ શિયાળો ગાળવા જતા પક્ષીઓ કચ્છના રણમાં મુકામ કરવા લાગ્યા છે. હાલે અહીં ૪૦ જાતના યાયાવર પક્ષીઓનું આગમન થયું હોવાનું પક્ષીવિદ્દો જણાવી રહ્યા છે.

શિયાળો શરૂ થવાના થોડા દિવસો અગાઉ જ યુરોપ તેમજ દેશના અનેક ઠંડા પ્રદેશોમાં જાત-જાતના પક્ષીઓ તેમની સફર શરૂ કરી દેતા હોય છે. ખાસ કરીને સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહથી તેઓ તેમના નિત્ય ફ્લાય-વે પર ઉડાન શરૂ કરે છે. ઓકટોબર માસ આવતા જ તેઓ કચ્છના રણમાં આવી પહોંચે છેે. કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા ને જોડતા રણ માંથી પસાર થતા કર્કવૃતને કારણે અહીંનો વિસ્તાર તેમને માફક આવે છે અને રાતવાસો કરવા રણમાં ઉતરી પડે છે. અહીં તેમને જોઈતો ખોરાક તેમજ અનુકુળ હવામાન હોય છે.

 હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને આજુબાજુના વિસ્તારોમાં આવેલ ગામ પાસે આવેલ કચ્છનું નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચૂકયું છે ત્યારે સુરેન્દ્રનગર અને કચ્છ ને જોડતું

કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ દ્યુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ દ્યુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે કયાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થઇ ચુકી છે.ત્યારે આ રણ ની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે.

અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જયારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી ને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિર નું આયોજન થાય છે. આજથી ૧૫ જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે.છેલ્લા વર્ષોમાં આ રણ ની અંદર મુલાકાત લેનાર પ્રવાસી ની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.

ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા ૧૬,૦૦૦ થી ૧૮,૦૦૦ થી વધુ પ્રવાસી લોકો આવેલ હતા. જેમાં ૩૦૦૦ જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે.ગત વર્ષે ૨૫ થી ૩૦ લાખ જેટલી આવક આ વિભાગ ને થયેલ છે.અને દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. સાથે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં છેલ્લે થયેલ ગણતરી મુજબ દ્યુડખરની સંખ્યા ૬૦૮૨ જેટલી નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સમગ્ર રાજયમાં સારો વરસાદ પડેલ છે.

હાલમાં વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓનું આગમન રણમાં થઈ ચૂકયું છે ત્યારે આ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને હાલ પર્યટકો માટે દિવાળીના સમયગાળામાં આ આકર્ષક નું કેન્દ્ બની ચૂકયું છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ આ રણની મુલાકાતે પહોંચી રહ્યા છે અને રાતવાસો કરી રહ્યા છે. ત્યારે અનેક પ્રકારના વિદેશી પક્ષીઓ હાલમાં રણ માં નજરે પડી રહ્યા છે. ત્યારે આ પક્ષીઓને જોવા માટે રણમાં સ્થાનિક લોકો પણ હાલમાં પહોંચી ગયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જે પાટડી દસાડા ખારાદ્યોડા વિસ્તારમાં આવેલ રણમાં થોડા દિવસો આગાઉ દ્યુડખર અભ્યારણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને પર્યટકો આ અભયારણ્યની મુલાકાત એ દર વર્ષે આવી રહ્યા છે જેમાં ખાસ કરીને વિદેશી પર્યટકો આ દ્યુડખર અભ્યારણ ની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે દર વર્ષે ૩૦૦૦ વિદેશી લોકો રણ ની મુલાકાત આ અભ્યારણ ખુલ્લુ રહેવાના સમયગાળા દરમિયાન લે છે ત્યારે આ અભ્યારણ ખાસ ચોમાસાના વિરામ બાદ અને શિયાળાની ઠંડીની શરૂઆત પહેલા દર વર્ષે ખુલ્લું મૂકવામાં આવે છે અને આઠ માસ સુધી આ અભ્યારણ ખુલ્લુ રાખવામાં આવે છે.

જેમાં દર વર્ષે હજારો પર્યટકો દ્યુડખર અભ્યારણ અંતર્ગત રણ ની મુલાકાતે આવે છે જેમાં વિદેશી પર્યટકો માટે આ દ્યુડખર અભ્યારણ આકર્ષણનું કેન્દ્ર છે જેમાં ખાસ કરીને હાલ માં શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ અભ્યારણમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. અને તે આ ઝાલાવાડના મહેમાન બન્યા છે. તેને જોવા માટે ઝાલાવાડ વાસી ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો રણ ની મુલાકાતે દિવાળી ના સમયે આવ્યા છે.અને રણ માં રાત્રી રોકાણ પણ આ વિદેશી પક્ષીઓને જોવા માટે ઝાલાવાડ વાસીઓ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો કરી રહ્યા છે.

ત્યારે વિદેશથી પણ આ નજારો જોવા માટે વિદેશી પ્રવાસીઓ દ્વારા અગાઉથી જ રણમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી હોટલો બુક કરાવવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ ની મુલાકાત લે તેવા એંધાણ હાલ સ્પષ્ટ વર્તાય રહ્યા છે. અત્યારે હાલ તો વિદેશી પક્ષીઓનું આગમન એ જ સમગ્ર ગુજરાતનું ધ્યાન રણ તરફ કેન્દ્રિત કરી દીધું છે.

(11:20 am IST)