Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ચુડાના વેપારી પાસે પોણો લાખ માંગનાર સીજીએસટી ઇન્સ. ગૌરવ અરોરાને આગોતરા જામીન આપવા હાઇકોર્ટનો ઇન્કાર

રાજકોટ તા. ર૦: ભ્રષ્ટાચારની ફરિયાદના આરોપી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ ઇન્સ્પેકટરને આગોતરા જામીન આપવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. અરજદાર ઇન્સ્પેકટરની સુરેન્દ્રનગર ખાતે સેન્ટ્રલ જીએસટીમાં નિમણૂક થઇ હતી અને તેણે ત્યાં વિભાગમાં વર્ષ ર૦૧૬ સુધી સેવા આપી હતી.

આ પ્રકરણમાં અરજદાર ગૌરવ અરોરા વિરૂદ્ધ નરેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી હતી કે તે ચુડા ગામ ખાતે ભવાની ટ્રેડિંગ કું. નામની દુકાન ધરાવે છે. જયારે એક અન્ય પટેલ એજન્સી નામનો ધંધો છે અને ત્રીજી એક શોપ પણ ધરાવે છે જે તેના દીકરાના નામે છે તેઓ ગ્રોસરીનો સામાન ઉપરાંત બિલ્ડિંગ મટીરિયલ અને તમ્બાકુનું વેચાણ કરે છે. આરોપી જીએસટી ઇન્સ્પેકટર ચુડા અને બોરના ખાતે આવેલી ફરિયાદીની દુકાન અને ગોડાઉન ખાતે આવ્યો હતો. આ સ્થળોએ મૂકેલો માલ સામાન યોગ્ય અને કાયદેસરની મંજૂરી વિનાનો હોવાથી તે માટે ફરિયાદીને રૂ. ર.પ૦ લાખની પેનલ્ટી ભરવી પડશે એવું કહ્યું હતું. ચુડા ખાતેની દુકાનમાં બોર્ડ પર યોગ્ય રીતે જીએસટી નંબર દેખાતું ન હોવાથી રૂ. ર.પ૦ લાખની પેનલ્ટી ભરવાનું કહ્યું હતું. તેથી ફરિયાદીએ કુલ રૂ. પાંચ લાખની પેનલ્ટી ભરી કાઢી હતી. ત્યારબાદ ફરિયાદીને તેના ખાતા અને અન્ય જરૂરી વિગતો સાથે જીએસટી ઓફિસ બોલાવાયો હતો. જયાં આરોપીએ ફરિયાદીને એમ કહ્યું હતું કે જો કોઇ કાયદાકીય કાર્યવાહીમાં ન પડવું હોય તો તેને રૂ. ૭પ હજારની રકમ આપી દે. તેથી ફરિયાદીએ આરોપીને લાંચ પેટે રૂપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો અને એસીબી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

(11:37 am IST)