Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ખંભાલીડા બૌધ્ધ ગુફા વિકસાવવા અંગે હવે સીધી સરકાર દ્વારા કાર્યવાહીઃ કલેકટર આ બાબત નહિ જોવેઃ સોમવારે બેઠક

સોમવારે ઘેલા સોમનાથ-ઓસમ ડુંગર-રામનાથ મહાદેવ અંગે પ્રવાસન વિકાસ કમિટીની બેઠક : કોરોના-લોકડાઉન કારણે ૮ મહિને મીટીંગ મળશે

રાજકોટ તા. ર૦: આગામી સોમવારે તા. ર૩ના બપોરે ૪ વાગ્યે રાજકોટ શહેર-જીલ્લાની પ્રવાસન વિકાસ કમિટીની અગત્યની બેઠક કલેકટરના અધ્યક્ષપદ હેઠળ મળશે, જેમાં પ્રવાસન, જે તે પ્રાંત મામલતદાર તથા અન્ય સબંધીત અધીકારીઓને બોલાવાયા છે.

દરમિયાન કલેકટર કચેરીના સુત્રોના ઉમેર્યા પ્રમાણે જેતપુર પાસેના અત્યંત વિશ્વ પ્રસિધ્ધ ખંભાલીડા બૌધ્ધ ગુફામાં ૮પ થી ૯૦ ટકા વિકાસની કામગીરી પૂરી થઇ છે, હવે ત્યાં રસ્તા-ગાર્ડન તથા અન્ય વિકાસશીલ બાબતો અંગે ડાયરેકટ રાજય સરકારનું પ્રવાસન વિભાગ કામગીરી જોશે. ડાયરેકટ ગાંધીનગરથી આ ખંભાલીડા બૌધ્ધ ગુફાના વિકાસ અંગે કામગીરી થશે.

અત્રે એ નોંધનીય છે કે પ્રવાસન કમિટીની બેઠક કોરોના-લોકડાઉનને કારણે ર૩મીએ ૮ મહિના બાદ મળી રહી છે, બપોરે ૪ વાગ્યે આ મીટીંગમાં ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર, રામનાથ મહાદેવ (રાજકોટ) તથા અન્ય ૭ થી ૮ પ્રવાસન ધામ અંગે ગ્રાંટ સહિતના નિર્ણયો લેવાશે.

(2:43 pm IST)