Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ઊના પંથકમાં તૌકતે વાવાઝોડાએ બાગાયતી પાકનો વિનાશ વેરતા નાળીયેરનાં ભાવમાં ત્રણ ગણો ઉછાળો

પંથકમાં રૂ. 15 માં વહેચાતા નાળીયેરના રૂ. 50 થયા : ત્રણ ગણા ભાવ વધવાથી વેપાર પણ 40 થી 50 ટકા ઘટી ગયો

ઊના પંથકમાં તાઉતે વાવાઝોડાએ તારાજી સર્જી તેના કારણે કલાકોમાં બાગાયતી પાકનો વિનાશ વેર્યો હોય તેમ 90 ટકાથી વધુ નાળીયેરીનાં બગીચામાં ઝાડ ઝડમૂડમાંથી નિકળી ગયા હોય જેના લીધે ઊના પંથકમાં નાળીયેરીની અછત સર્જાતા હાલ નાળીયરનો ભાવ રૂ. 50 પર પહોંચી ગયો છે. નાળીયેરનો વ્યવસાય કરતા વેપારીઓ પણ મુંઝવણમાં મૂકાઇ ગયા છે, કેમ કે રોજીંદી બજારની જરૂરીયાત પુરતા નાળીયેર આવતા નથી. અને બહાર ગામથી નાળીયેર મંગાવવા પડે છે. તેથી કિંમત વધી જાય છે. જે ગ્રાહકોને પરવડતી નથી અને વેચાણમાં વ્યાપક ઘટાડો થતો જાય છે

   નાળીયેરનાં વેપારીઓનું કહેવું છે. ઊના પંથકનાં દેલવાડા, અંજાર, કોઠારી, વાંસોજ, નાંદણ સહિતનાં અનેક ગામો નાળીયેરીનું ઘર કહેવાય છે. આ વિસ્તારમાં નાળીયેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં નાળીયેર ઉના પંથકમાંથી જાય છે. પરંતુ તાઉતે વાવાઝોડાએ બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા આ વિસ્તારમાં ગણ્યા ગાંઠ્યા નાળીયેરીનાં ઝાડ જોવા મળી રહ્યા છે. તેથી ના છુટકે નાળીયેરીનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ બહાર ગામ જેવા કે ચોરવાડ, માંગરોળ વિસ્તારમાં નાળીયેર લેવા જવું પડતુ હોય જેના કારણે વાવાઝોડા પહેલા ઉના પંથકમાં રૂ. 15 માં વહેચાતું નાળીયેર આજે રૂ. 50 માં વહેચાય છે. આમ ત્રણ ગણા ભાવ વધવાથી વેપાર પણ 40 થી 50 ટકા ઘટી ગયો છે. અને નાળીયેર પીવુ એ ગ્રાહકોને પરવડતુ ન હોવાથી સ્ટોક પડતર રહે છે. વેપારીઓને આર્થિક રીતે ન પોસાતુ હોય તેવી ફરીયાદ વેપારીઓ માંથી ઉઠવા પામેલ છે.

 બીજી તરફ એક સમયે 1982 નાં વાવાઝોડા ઉનામાં ફક્ત 4 રેકડીઓમાં નાળીયેર વહેચાતા હતા. અને સમય જતાં નાળીયેરીનું વાવેતર વધતા આજે 74 રેકડીમાં નાળીયેર વહેચાતા હોય પણ વાવાઝોડાનાં લીધે નાળીયેર ઉપલબ્ધ ન હોવાથી હાલ 10 થી 12 રેકડીમાં નાળીયેરનો વ્યવસાય થઇ રહ્યો છે.

(9:59 am IST)