Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભુજ જેલમાંથી ભાગ્યા બાદ નિખિલ દોંગા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવાનો હતો : પોલીસના સોગંદનામામાં ઘટસ્ફોટ

૭ આરોપીઓની જામીન અરજી ભુજ કોર્ટે ફગાવી, નિખિલ માનતો હતો કે, જયરાજસિંહે નિખિલના પિતા વિરૂધ્ધ બે ગુના દાખલ કરાવ્યાઃ હજી બે આરોપી ભાવેશ ખીલી અને રાજુ કોલી વોન્ટેડ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૦:  ગોંડલના કુખ્યાત આરોપી અને ગુજસીટોક હેઠળ ભુજ જેલમાં કેદ નિખિલ દોંગા પ્રકરણમાં પોલીસે સનસનીખેજ દ્યટસ્ફોટ કર્યો છે. ભુજમાં જેલમાંથી હોસ્પિટલ પહોંચી ફરાર થનાર નિખિલ દોંગા કેસમાં પોલીસે ઝડપેલા ૭ આરોપીઓએ ચાર્જશીટ પછી આ કેસમાં નિયમિત જામીન અરજી ભુજ કોર્ટમાં કરી હતી.

અત્યારે જેલમાં બંધ (૧) ભરત ઝવેર રામાણી, રાજકોટ, (૨) રેનીશ ઉર્ફે લાલજી ડાહ્યા માલવિયા, ગોંડલ, (૩) નિકુંજ પટેલ, રાજકોટ, (૪) પાર્થ ઉર્ફે લાલો બિપીન ધાનાણી, રાજકોટ, (૫) વિજય વિઠ્ઠલ સાંદ્યાણી, માધાપર, ભુજ, (૬) વિપુલ સંચાણિયા દ્વારા ભુજ કોર્ટમાં ત્રીજા અધિક સિવિલ જજ સમક્ષ નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. જયારે ૭ માં આરોપી પીએસઆઈ આર.બી. ગાગલે અલગથી પોતાની જામીન અરજી કરી હતી. આ જામીન અરજીની દરમ્યાન કચ્છના મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીએ ધારદાર દલીલો કરી હતી. આરોપી કોગ્નીઝેબલ ક્રાઇમ કરવાની ફિરાકમાં હોવાનું જણાવ્યું હતું

દરમ્યાન આ કેસમાં પોલીસ વતી ડીવાયએસપી જે.એન. પંચાલ ઉપસ્થિતિ રહ્યા હતા. નિખિલ દોંગા અને તેના સાગરીતો ભુજ કોર્ટમાંથી ફરાર થઈને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવાના હોવાનું પોલીસે કરેલા સોગંદનામામાં દ્યટસ્ફોટ કરાયો છે. ભુજ કોર્ટના ત્રીજા અધિક સિવિલ જજ એમ.એમ. પટેલે તમામ મુદ્દાઓને ધ્યાને લઈને સાતેય આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી.

દરમ્યાન પોલીસ તપાસમાં ખુલેલી વિગતો અનુસાર ભરત રામાણી, ભાવિક ઉર્ફે ખીલી અને રેનીશ માલવિયા ત્રણે ભુજ ૨૫/૩ ના આવ્યા હતા. બીજે દિવસે શ્યામલ દોંગા અને સાગર કયાડા આવ્યા હતા. બધા ભુજમાં એરપોર્ટ રોડ પર બે હોટેલમાં રોકાયા હતા અને જેલમાં નિખિલ દોંગા ને મળ્યા હતા. જે મુલાકાત દરમ્યાન નિખિલે કહ્યું હતું કે, આ જયરાજસિંહનું કંઈ કરવું પડશે. એટલે ભુજ જેલમાંથી ભાગવા શામ, દામ, દંડ અને ભેદ સાથે કાવતરું ઘડાયું.

નિખિલને એમ હતું કે, પોતાની અને પોતાના પિતા રમેશ દોંગા વિરૂદ્ઘ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ બે ગુના રજીસ્ટર કરાવ્યા હતા. દરમ્યાન હજી આ ગુનામાં એક કુખ્યાત આરોપી ભાવેશ ઉર્ફે ખીલી તેમ જ બોગસ આધારકાર્ડ બનાવનાર રાજુ કોલી ફરાર છે. કોર્ટમાં પીએસઆઈ ગાગલના વકીલે દલીલ કરી હતી કે, આ કેસમાં જે તબીબે નિખિલને હોસ્પિટલમાં દાખલ કર્યો તેમની સામે ગુનો નોંધાયો નથી. તો, જાપ્તો ફાળવનાર જેલ અધિક્ષક ને પણ આરોપી તરીકે દર્શાવાયેલ નથી.

(11:01 am IST)