Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

હળવદ પાલિકાના કારોબારી ચેરમેનના મિનરલ વોટરના કારખાનામાં જુગારધામ ઝડપાયું

મોરબી એલસીબીનો સપાટોઃ જુગારની રેડમાં ૧૪ બોટલ વોડકા દારૂ પણ પકડાતા બેવડો ગુન્હોઃ દસ જુગારી પાસેથી રોકડા રૂ.૨,૦૧,૦૦૦ સહિત રૂ.૩,૩૩,૦૦૦નો મુદામાલ જપ્ત

(દિપક જાની દ્વારા) હળવદ, તા.૧૦: મોરબી એલસીબીએ સચોટ બાતમીને આધારે હળવદ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી શહેરની મધ્યમાં હળવદ પાલિકાના કારોબારી ચેરમેનના મિનરલ વોટરના કારખાનામાં ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી નગરપાલિકા કારોબારી ચેરમેન સહીત દસ જુગારીઓને રોકડા રૂપિયા બે લાખથી વધુ સાથે ઝડપી લીધા છે અને મજાની વાત તો એ છે કે કારોબારી ચેરમેનના કારખાનામાંથી રેઇડ દરમિયાન વોડકા દારૂની ૧૪ બોટલ પણ મળી આવતા બેવડો ગુન્હો દાખલ કરાવી એલસીબી ટીમે ૩,૩૩,૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.

એલસીબી ટીમને પાકી બાતમી મળી હતી કે હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ભારત પેટ્રોલપંપની પાછળ આવેલ માં બેવરેજીસ નામના મિનરલ વોટરના કારખાનાની ઓફીસમાં આરોપી અશ્વીનભાઇ ઇશ્વરભાઇ દલવાડી (રહે. હળવદ) વાળો બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.

જે આધારે એલસીબીએ દરોડો પાડતા (૧) અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા રહે. હળવદ (૨) જગદિશભાઇ અવચરભાઇ ઓડીયા રહે હળવદ (૩) દેવજીભાઇ કેશવજીભાઇ અદ્યારા રહે ઇશ્વરનગર તા.હળવદ (૪) હિતેષભાઇ ગણેશભાઇ પારેજીયા રહે હળવદ (૫) દેવજીભાઇ કાળુભાઇ ગોરીયા રહે જૂના દેવળીયા તા.હળવદ (૬) યશવંતભાઇ કાનજીભાઇ પારેજીયા રહે. હળવદ (૭) પ્રવિણભાઇ ધનજીભાઇ પ્રજાપતિ રહે. હળવદ (૮) બળદેવભાઇ ભીખાભાઇ કણજરીયા રહે, હળવદ (૯) યોગેશભાઇ વાલજીભાઇ સોનાગ્રા રહે ચરાડવા તા.હળવદ (૧૦) ચંદુલાલ ધરમશીભાઇ પંચાસરા રહે હળવદ વાળાઓ રોકડ રૂપીયા રૂ.૨,૦૧,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૩૨૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/ મળી કુલ રૂ. ૩,૩૩,૦૦૦/- ના મુદામાલ સાથે દશ આરોપીઓ રંગે હાથ ઝડપાય ગયા હતા.

આ ઉપરાંત, એલસીબી ટીમે કારખાના માલીક અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા (રહે. હળવદ)ને સાથે રાખી કારખાનામાં તપાસ કરતા વોડકા ઇગ્લીંશદારૂની બોટલ નંગ ૧૪ કિ.રૂ. ૪૨૦૦ મળી આવતા તેના વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ મુજબ અલગથી ગુનો રજીસ્ટર કરાવેલ છે.આમ મોરબી એલસીબીને જુગારધારાનો એક તથા ઇગ્લીંશ દારૂનો એક એમ બે ગુના શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

ઉલ્લેખનીય છે કે મા મિનરલ વોટર નામનું કારખાનું ધરાવતા અશ્વિન કણઝારીયા હળવદ નાગરપલિકાના ચૂંટાયેલા સદસ્ય છે અને કારોબારી ચેરમેન તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. ઉપરાંત, પક્ષમાં વર્ચસ્વ ધરાવતા હોય દારૂ જુગારના દરોડા બાદ નેતાઓએ પણ એડીચોટીની તાકાત લગાવી હોવાનું પરંતુ કારી ફાવી ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે લાંબા સમયથી અહીં મહેફિલો જામતી હોવા છતાં હળવદ પોલીસ કેમ આ ન દેખાયો તે પણ વિચારવા જેવી બાબત છે .

દારૂ અને જુગારનો આ કેસ ઝડપી લેવાની કામગીરી એલસીબી પી.આઇ. વી.બી.જાડેજા, પી.એસ.આઇ. એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા તથા પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા,એએસઆઈ સંજયભાઇ પટેલ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ ચુડાસમા વિગેરે જોડાયેલ હતા.

(10:18 am IST)