Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જૂનાગઢ અકિલાના પત્રકાર સૂર્યકાન્તભાઈ જોષીની આજે ૫૪મી જન્મ જયંતિ

મેયર, ધારાસભ્ય, સાધુ-સંતો અને આગેવાનો ઓનલાઈન પ્રાર્થના સભામાં જોડાઈ શ્રધ્ધાસુમન અર્પણ કરશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૧૦ :. જૂનાગઢ અકિલા દૈનિકના પત્રકાર સૂર્યકાન્તભાઈ જોષીની આજે ૫૪મી જન્મ જયંતિ છે.

સવા દાયકો પૂર્ણ થયો છતાં પત્રકાર જગતમાં અમીટ છાપ અકિલા બ્યુરોના ચીફ અને સોરઠના અખબારી જગતના તરવરીયા અને ઉત્સાહી યુવા પત્રકાર સૂર્યકાન્તભાઈ જોષીની સમચારો મેળવવા માટે અલગ જ માસ્ટરી ધરાવતા.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના જે તે વખતે એલસીબી બ્રાંચમાં ફરજ બજાવતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારી શીવલાલભાઈ જોષીના જયેષ્ઠ પુત્ર સૂર્યકાન્તભાઈ જોષીએ ૧૯૮૨માં અખબારી ક્ષેત્રમાં પગ મુકી અખબારી યાદીઓ પહોંચાડવાની કામગીરીથી પ્રારંભ કર્યો હતો.

આ ક્ષેત્ર તેઓની ધગશ અને ઉત્સાહથી પ્રેરાઈ અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રાએ સૂર્યકાન્ત જોષીને રાજકોટ બોલાવી અકિલા પ્રેસમાં દશેક માસ તાલિમ આપી ત્યાર બાદ જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ તરીકે પસંદગી કરી હતી. જૂનાગઢ જિલ્લાની જવાબદારી શીરે આવતા સૂર્યકાન્ત જોષીએ વફાદારી, નિષ્ઠા, કૌશલ્યના દર્શન કરાવવા માટે સાયકલ ઉપર તમામ પોલીસ મથકોએ રૂબરૂ પહોંચી ઘટનાઓના તલસ્પર્શી અહેવાલો મેળવી અકિલામાં જાગૃત પત્રકાર તરીકેની પ્રતિભા ઉભી કરી હતી.

તેમના પિતા પોલીસમાં ફરજ બજાવતા હોવાથી પોલીસ પરિવારના નાતે પોલીસ તંત્રના રીપોર્ટીંગ ક્ષેત્રે અગ્રસ્થાને રહ્યા હતા અને ટૂંકાગાળામાં અનોખી નામના મેળવી હતી. અકિલાના પાને સૂર્યકાન્ત જોષી નામ ન હોય તેવો દિવસ તેમણે આવવા દીધો ન હતો. સતત નવા સમાચારો આપતા રહેતા અને સોરઠના અખબારી ક્ષેત્રમાં પોલીસ પત્રકાર તરીકે છાપ ઉભી કરી હતી અને ગુજરાત પોલીસ ઉપરાંત જાહેર જીવનના આગેવાનો - કાર્યકરો સૂર્યકાન્ત જોષીથી અજાણ નહોતા. નાની વયે અખબારી માધ્યમ અકિલાના બેનર હેઠળ મોટી નામના મેળવી હતી અને આજથી ૧૩ વર્ષ પહેલા કમળાની બિમારીથી રાજકોટ ખાતે સારવાર દરમિયાન સૂર્યકાન્તભાઈ જોષીએ ૪૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

આજે પણ સવા દાયકો થવા છતા પત્રકાર જગતમાં તેઓની છાપ અમીટ છે. જાહેર કાર્યક્રમોમાં અધિકારીઓ - પદાધિકારીઓ આજે પણ તેઓને યાદ કરી રહ્યા છે.

આજે સૂર્યકાન્તભાઈ જોષીની ૫૪મી જન્મ જયંતિ નિમિતે ઓનલાઈન પ્રાર્થનાસભા સાંજે ૭ કલાકે યોજાનાર છે. જેમાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિમાન્શુ પંડયા, પૂર્વ ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, વિપુલભાઈ કોટેચા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી તથા સાધુ-સંતોમાં પૂ. મુકતાનંદબાપુ, પૂ. જેન્તિરામબાપા, પૂ. ઈન્દ્રભારતીબાપુ સહિતના સંતો અને આગેવાનો આજે વર્ચ્યુઅલ પ્રાર્થના સભામાં ઓનલાઈન જોડાય અને શ્રધ્ધાસુમન અર્પણ કરશે તેમજ સ્વ. સૂર્યકાન્તભાઈ જોષીના પત્નિ ગીરાબેન જોષી, અભિષેક, ઋષિતા તેમજ અકિલાના પત્રકાર અને સૂર્યકાન્તભાઈના લઘુબંધુ વિનુભાઈ જોષી પણ પરિવાર વતી શ્રધ્ધાસુમન અર્પણ કરશે.

(10:20 am IST)