Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

લાં..બા સમય બાદ કાલથી ધર્મસ્થાનોમાં માત્ર દર્શન માટે પ્રવેશ

શ્રી સોમનાથ મહાદેવ-શ્રી દ્વારકાધીશ મંદિર- શ્રી સાળંગપુર હનુમાનજી-પરબધામ- શ્રી રણછોડદાસજી મંદિર -સતાધાર- શ્રી ચામુંડા માતાજી ચોટીલા સહિત સૌરાષ્ટ્ર -કચ્છના મંદિરોમાં ગાઇડલાઇનનો અમલ કરાશે

રાજકોટ,તા. ૧૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છના ધર્મસ્થાનોમાં કાલથી ભકતજનોને રૂબરૂ પ્રવેશ મળી શકશે અને માત્ર દર્શનનો લાભ લઇ શકશે. જો કે સરકારની કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.

શ્રી સોમનાથ મહાદેવ, શ્રી દ્વારકાધીશ મંદિર, શ્રી સાળંગપુર કષ્ટભંજન હનુમાજી મંદિર, પરબધામ -સતદેવીદાસ, અમરદેવીદાસ મંદિર, રણછોડદાસજી મંદિર, રાજકોટ, સતાધાર મંદિર, શ્રી ચામુંડા માતાજી મંદિર ચોટીલા સહિત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છના મંદિરોમાં કોરોના ગાઇડ લાઇનનો અમલ કરાશે.

શ્રી સોમનાથ મહાદેવ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ : સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ૧૧ જુનથી શ્રધ્ધાળુઓ શ્રી સોમનાથ મંદિર ચોક્કસ સમય તેમજ ગાઇડલાઇન મુજબની વ્યવસ્થા સાથે મંદિરમાં દર્શન થશે. ગાઇડલાઇન મુજબ દર્શન માટે માસ્ક ફરજીયાત પહેરીને જ આવવાનું રહેશે. સામાજીક અંતર જાળવવાનું રહેશે. ટેમ્પરેચર ચેક કરાવી, હાથ સેનેટાઇઝ કરીને જ પ્રવેશ કરવાનો રહેશે. સામાજીક અંતર માટે જે ગોળ રાઉન્ડ બનાવ્યા છે. તેમાં જ ઉભા રહી લાઇનમાં જવાનું રહેશે. મંદિરમાં પણ રેલીંગ કે કોઇ પણ જગ્યાએ અડવું નહીં મંદિરમાં દંડવત પ્રણામ ન કરવા માત્ર દર્શન કરીને જ તુરંત બહારના ગેઇડથી બહાર નીકળવું. જેથી વધુમાં વધુ યાત્રિકોને દર્શન થઇ શકે.

વિશેષમાં જણાવવાનું કે, દર્શન માટે દર્શન પાસ ઓનલાઇન તેમજ ઓફલાઇન લેવો ફરજીયાત છે. ટ્રસ્ટની વેબસાઇટ www.s.mnath.org પરથી દર્શન માટેના સ્લોટથી લીંક મુકવામાં આવેલ છે. જે લીંક દ્વારા ઓનલાઇન બુક કરાવી દર્શન પાસ મેળવી શકાશે. જેથી વધુ સમય લાઇનમાં ઉભા રહેવું પડે. તેમજ મંદિર  દર્શનનો સમય પણ મર્યાદીત હોય, સવારે ૭ :૩૦ થી ૧૧ :૩૦ અને ૧૨:૩૦ થી ૬:૩૦ સુધી માત્ર દર્શન માટે જ ખુલશે. આરતીમાં કોઇને પણ પ્રવેશ આપવામાં અવશે નહીં. દર્શન માટેનો સમય મર્યાદીત હોય બહારથી આવતા શ્રધ્ધાળુઓને વિનંતી કે તેઓ અગાઉથી ઓનલાઇન દર્શનનું બુકિંગ કરાવીને જ સોમનાથ દર્શન માટે આવે, જેથી તેઓને દર્શન બીનજરૂરીત વધુ પડતો સમય ઉભા ન રહેવું પડે. તેમજ મદિર પ્રશાસન, પોલીસ તથા વહીવટી તંત્રને વ્યવસ્થામાં પણ મુશ્કેલી ન પડે.

દ્વારકા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા : દ્વારાકાનું વિશ્વવિખ્યાત જગત મંદિર તા. ૧૧ જૂનથી સવારના ૬ :૩૦ વાગ્યાના મંગળા આરતીના દર્શન સાથે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવવામાં આવશે. મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી ભાવિકોને એક સાથે ૫૦ની સંખ્યામાં દર્શન માટે પ્રવેશ અપાશે.

મંદિર પરિસરમાં યાત્રિકોને માર્ગદર્શન માટે જ છુટછાટ મળશે.અને આખા દિવસની ચાર આરતીમાં યાત્રિકો માત્ર દર્શન કરી શકશે. સંપૂર્ણ આરતી દરમિયાત યાત્રિકોને ઉભા રહેવા દેવામાં આવશે નહિ. અને મંદિરના યાત્રિકોને પરિક્રમા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આ જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની સુચના મુજબ રાજ્ય સરકારના નિયમોને આધિન તા. ૧૧મી જૂનથી મંદિરના પ્રવેશદ્વાર ખુલ્લી રહ્યો છે. ત્યારે દ્વારકાવાસીઓ અને ભાવિક ભકતોમાં શ્રધ્ધા સાથે આનંદની લાગણી પ્રસરી રહી છે.સાથે જ દ્વારકાના હોટલ ઉદ્યોયને પણ વેપાર ધંધામાં રાહત મળશે.

ચોટીલા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા : ચોટીલા ડુંગર ચામુંડા માતાજી મંદિરના દ્વારા ૧૧ જૂનથી ભાવિકો માટે ખુલશે ભાવિકો માટે ઘણા સમય બંધ રહ્યા પછી ખુલી રહ્યા છે. પરંતુ વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને દર્શનાર્થીઓ માટે દર્શન સમયમાં ફેરફાર કરાયેલ છે. ડુંગર મંદિર સવારે ૭ થી સાંજના ૬ સુધી જ દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. જેની ચોટીલા ચામુંડાધામ ખાતે આવતા દરેક માઇભકતએ નોંધ લેવી તેમજ દરેક શ્રધ્ધાળુઓએ માસ્ક, ડીસ્ટન્સ સહિતની ગાઇડલાઇનનું પાલન ફરજીયાત કરવાનું રહેશે. તેમ જણાવ્યું છે.

સાળંગપુર

વાંકાનેર : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ઘ યાત્રાધામ સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સરકારના આદેશ અનુસાર મંદિર બંધ હતું જે સરકારની ગાઈડ લાઈન અનુસાર સોસ્યલ ડિસ્ટનસના પાલન સાથે આગામી તા. ૧૧ / ૬ / ૨૦૨૧ ને ગઇકાલથી ભાવિક ભકતજનો માટે દ્યણા સમય બાદ મંદિર ખુલશે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના જણાવ્યા અનુસાર મંદિરમાં પૂજાપાઠ, દર્શન, તેમજ ભોજનાલય, તેમજ યાત્રિકો માટે ઉતારાની સગવડ વગેરે ચાલુ થશે.ત્રણેય ટાઈમની 'આરતી' માં પ્રવેશ બંધ રહેશે તેમજ સરકારની નવી ગાઈડ લાઈન અનુસાર સહું હરી ભકતો ચુસ્તપણે પાલન કરે એવી વિનતી કરવામાં આવેલ છે. સાળંગપુરધામમાં અગિયાર જૂન થી દર્શન ખુલતાના સમાચાર મળતા દાદા ના ભાવિક ભકતજનોમાં આનંદની હેલી વ્યાપી છે. વિશેષમાં કોરોનાની મહામારીમાં લાખો લોકો મુત્યુ પામેલ જે દેવલોક પામેલા ભકતોના મોક્ષાર્થે જે સાળગપુરધામ આયોજિત શ્રી મદ્દ ભાગવત કથા ઓનલાઇન ચાલી રહેલ છે જેમાં વ્યાસપીઠ ઉપર પૂજય શાસ્ત્રીજીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી પોતાની મધુર વાણીમાં અનેરા સંગીતની શેલી સાથે શ્રી ભાગવત કથાનું સુંદર વર્ણન કરી રહયા છે કથામાં ગઈકાલે ગોવર્ધન પર્વત નો સુંદર પ્રસંગનું વર્ણન કરેલ હતું જે ભાગવતકથા તા.૧૨ / ૬ / ૨૦૨૧ ના રોજ ત્રીસમાં દિવસે કથાની પુર્ણાહુતી થશે , તેમજ સાળગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ત્રીસ દિવસ નું 'ભજન પર્વ' ચાલતું હતું જે આજે ભજન પર્વના ત્રીસ દિવસ પૂર્ણ થશે જે ભજન પર્વમાં દાદાના ભકતોએ પોતાના ઘરે શ્રી હનુમાન ચાલીસાના પાઠ ત્રીસ દિવસ કરેલા છે.  જે જે હરી ભકતજનો આ ભજન પર્વમાં જોડાયા હતા તે લોકો સાળંૅગપુર મંદિરે વોટ્સઅપ દ્વારા પાઠની સંખ્યા મોકલશે ત્યારબાદ સહું હરી ભકતોએ કરેલા શ્રી હનુમાન ચાલીસા નો 'મારૂતિ યજ્ઞ' સાળંગપુરધામમાં થશે. અગિયારમી જૂનથી દાદાના દરબાર ભાવિકો માટે દ્વાર ખુલશે જે યાદી મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, તેમજ સ્વામીશ્રી ડી.કે.સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(11:45 am IST)