Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેલર પાછળ ઘૂસી જતા ડમ્પર ચાલકનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબીના રફાળેશ્વર ગામ નજીક રાત્રીના સુમારે એક ટ્રેલર પાછળ ડમ્પર ઘુસી ગયું હોય જે અકસ્માતમાં ડમ્પરચાલકનું મોત થયું છે જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છના ભચાઉના રહેવાસી ગણેશભાઈ મીઠાભાઈ ગરવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોટા બાપુનો દીકરો બાબુભાઈ માનણભાઈ ગરવા તેના ડમ્પર જીજે ૧૨ એઝેડ ૩૩૦૮ માં માટી ભરીને મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ફેરો કરવા ગયો હોય રાત્રીના સુમારે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર રફાળેશ્વર ગામ નજીક ટ્રેઇલર જીજે ૩૬ ટી ૯૭૯૭ વાળું હાઈવે રોડ પર ભયજનક રીતે ઉભું રાખેલ હોય જેથી બાબુભાઈનું ડમ્પર તેની સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ડમ્પરચાલક બાબુભાઈ ગરવાનું ગંભીર ઈજા થતા મોત થયું છે મોરબી તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ઘ અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેન્દ્રનગર ગામેથી ગુમ થયેલ યુવાન મળી આવ્યો

મોરબીના મહેન્દ્રનગર ગામનો રહેવાસી યુવાન ત્રણ માસ પૂર્વે ગુમ થયો હોય જે યુવાન હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

મહેન્દ્રનગરના રહેવાસી ભરતભાઈ દયાળજીભાઈ પંચાસર પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેનો દીકરો ભાવેશ (ઉ.વ.૨૨) વાળો ગત તા. ૨૪-૦૩ ના રોજ સુથારી કામ સરખું ચાલતું ના હોય અને ઘરેથી રાજકોટ કામ કરવા માટે જવા ના દેતા હોય જેથી ઘરેથી જતો રહ્યો હતો જે યુવાન ગઈકાલે તા. ૦૮-૦૬ ના રોજ પોલીસ મથકે હાજર થયો હતો અને હેમખેમ પરત આવી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

(12:03 pm IST)