Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વાવાઝોડા ઇફેકટ : અમરેલીનું 'શીયાળબેટ' ગામમાં હજુ પણ અંધારપટ સવા લાખ થાંભલા પડી ગયા'તા : ૭૬ હજાર ઉભા કરાયા : ૪૮ હજાર હાલ બાકી

જેજીવાયનો ૧ ફીડર હજુ બંધ : એગ્રીકલ્ચરના ત્રણ જિલ્લાના ૬૧૭ ફીડર હજુ બંધ : ૫૪૨૮ ગામડામાંથી ૫૪૨૭ ગામમાં વીજ પૂરવઠો ચાલુ

રાજકોટ તા. ૧૦ : ગત તા. ૧૮મીએ સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા ભયાનક વાવાઝોડાએ પીજીવીસીએલને અંદાજે ૧૫૦ કરોડનું નુકસાન કરાવી દીધું હતું. હાલ ૨૪માં દિવસે પણ વીજથાંભલા ઉભા કરવાની અને ફીડરો ચાલુ કરવાની કામગીરી ચાલુ હોવાનું આજે સવારે ૧૧ વાગ્યે જાહેર કરાયેલ ફાઇનલ રીપોર્ટમાં ઉમેરાયું છે.

વીજ અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે હવે અમરેલીનો એક માત્ર જેજીવાય ફીડર બંધ છે, જ્યારે એગ્રીકલ્ચરના કુલ ૬૧૭ ફીડર હજુ બંધ છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં ૪૪, ભાવનગર-૯૬ તથા અમરેલી જિલ્લાના ૪૭૭ ફીડરનો સમાવેશ થાય છે.

રીપોર્ટ અનુસાર વાવાઝોડાને કારણે કુલ ૬૦૪૭ ફીડર બંધ પડયા હતા. તેમાંથી વીજ ટીમોએ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી ૫૪૨૩ ફીડર ચાલુ કરી દેવાયા છે.

કુલ ૫૪૨૮ ગામડા બંધ થયા હતા તેમાંથી ૫૪૨૭ ગામોમાં પાવર શરૂ કરી દેવાયો છે, માત્ર અમરેલીનું ૧ શીયાળબેટ ગામ બંધ છે, મરીન કેબલમાં પ્રોબ્લેમ હોવાને કારણે અને દરિયામાં થઇને કેબલ ગામમાં જતો હોય અને વીજળી પહોંચતી હોય તે સંદર્ભે બંધ હોવાનું જાહેર કરાયું છે.

ભયંકર વાવાઝોડાને કારણે કુલ સવા લાખ પોલ તૂટી પડયા હતા. તેમાંથી ૭૬ હજાર પોલ ઉભા કરી દેવાયા છે, હવે ૪૮ હજાર થાંભલા ઉભા કરવાની બાકી છે, જે ઉભા કરવા અંગે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ છે, એકલા અમરેલી જિલ્લામાં જ ૩૮ હજાર પોલ ઉભા કરવાના બાકી છે.

દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં ૧૧ હજાર થાંભલા અને ૬૦૦ ટ્રાન્સફોર્મર ઉભા કરી દેવાયા છે, કોન્ટ્રાકટરની ૧૧૫ ટીમો, પીજીવીસીએલની ૩૯ ટીમો અને ૧૨૦૦થી વધુ અન્ય વીજ કર્મચારી - અધિકારીઓ દ્વારા સતત કામગીરી કરાઇ હતી.

(1:01 pm IST)