Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રાજુલામાં રેલવે જમીન મુદ્દે અંબરીશ ડેરના ઉપવાસનો ત્રીજો દિ'

આજે સાંજે ઉગ્ર આંદોલન અંગે નિર્ણય લેવાશે : લોકોની સુવિધા માટે કોંગ્રેસના ધારાસભ્યનું આંદોલન

રાજુલા તા. ૧૦ : રાજુલામાં રેલવેના જમીન પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરના ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ જણાવ્યું હતું કે, હજુ સુધી રેલવે તંત્ર દ્વારા કોઇ નિરાકરણ આવ્યું નથી અને ઉગ્ર આંદોલન માટે સાંજે નિર્ણય લેવાશે. આ માટે ચર્ચા-વિચારણા થઇ રહી છે.

રાજુલામાં ત્રણ દિવસથી રેલવેની પડતર જમીનમાં રોડ અને બ્યુટીફીકેશન પાર્ક માંગ કરી રહેલા અને એગ્રીમેન્ટ વગેરેની પ્રોસીઝર રાજુલા નગરપાલિકા દ્વારા થયેલ હોવા છતાં આ બેરીકેટ રેલવે પોલીસ દ્વારા લગાવી દેતા તેનો વિરોધ કરવા સ્થળ ઉપર ગયેલા ધારાસભ્ય અંબરીષ ડેર અને રેલવે પોલીસ વચ્ચે રકજક થયેલ ત્યા સ્થળ ઉપર હાજર રહેલ રાજુલા પોલીસ દ્વારા ધારાસભ્ય અંબરીશ ડેરની ધરપકડ કરીને તેઓને પોલીસ સ્ટેશનને લાવેલ ત્યાં ધારાસભ્ય દ્વારા આ પ્રશ્નને લઈને ઉપવાસ શરૂ કરેલા પોલીસ દ્વારા મુકત કર્યા હતા.

શ્રી ડેર જે જગ્યાનો પ્રશ્ન છે તેની સામે આવેલ રાજુલા નગરપાલિકાના પ્રમુખની ઓફિસ પાસે છાવણી નાખીને ઉપવાસ ઉપર ઉતરી ગયા છે તેઓ દ્વારા એવું જણાવેલ છે કે જયાં સુધી રેલવે તંત્ર દ્વારા આ જમીન રાજુલા નગરપાલિકાને સોંપવામાં અહીં આવે ત્યાં સુધી હું અને નગરપાલિકાના સદસ્ય ઉપવાસ ઉપર બેસવાના છીએ આજે ઉપવાસનો ત્રીજો દિવસ છે.

આ ઉપવાસ આંદોલનની મુલાકાતે ગ્રામ્ય વિસ્તાર રાજુલા શહેરના લોકો વેપારી લોકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ ધારાસભ્ય અને અંગત મિત્રો સહિતના લોકોએ મુલાકાત લીધેલ છે તેઓ દ્વારા એવું કહેવામાં આવેલું કે તમે સાચા છો અમે તમારી સાથે છીએ જયાં જરૂર પડે અમને કેહે જો જે કરવું પડશે તે સાથે મળીને કરશું આ તમારો અંગત પ્રશ્ન નથી આ પ્રશ્ન રાજુલાની જનતાનો છે.લોકો એવું જણાવી રહ્યા છે કે, જો સાંસદ દ્વારા પોતે આગળ આવીને રાજુલાની સુવિધામાં વધારો કર્યો હોત તો રાજુલા મતદારો ખૂબ જ ખુશ થાત.

હજુ પણ સાંસદ પાસે આ પ્રશ્ન હલ કરવાનો સમય છે તેઓ આગળ આવીને લોકોની સુવિધાઓ વધારે તેવી લોક માંગ છે.

(1:04 pm IST)