Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

હાથલા શનિદેવ મંદિરના અવશેષો ૧૫૦૦થી વધુ વર્ષ જૂના : શિંગડાપુર શનિ મંદિરના પુસ્તકમાં હાથલાનો ઉલ્લેખ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૦ : સૌરાષ્ટ્રના દ્વારકા પંથકમાં આવેલ હાથલા ગામ ઇતિહાસની દૃષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે. હાથલાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શનિદેવના જન્મસ્થળ તરીકે કરવામાં આવ્યો છે.

હાલના બરડા ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારનું પ્રાચિન નામ બટુકાચળ અને પીપ્પલાવન હોવાનું શાસ્ત્રોમાં જાણવા મળે છે. તેમજ હાથલાનો ઉલ્લેખ પ્રાચિન સમયમાં હસ્તિનસ્થલ અને મધ્યકાળમાં હસ્થથલ તરીકે જોવા મળે છે. આ ગામનું નામ અહીં શનિદેવ હાથી પર બિરાજમાન હોવાથી પડ્યું છે. હાથલાના અવશેષો ૧૫૦૦ વર્ષથી પણ જૂના છે

શાસ્ત્રોકત રીતે શનિદેવનાં દશ સ્વરુપ છે. જેના દશ વાહનો અને દશ પત્નીઓ છે. જેમાં એક નામ છે પિપલાશ્રય જે સ્વરૂપમાં બાળ શનિદેવ હાથીની સવારી કરે છે. આ સ્વરૂપ હાથલા સ્થિત મંદિરમાં જોવા મળે છે. હાથલા સિવાય સમગ્ર ભારતમાં અન્ય કોઈ સ્થળે શનિદેવ હાથી પર જોવા મળતા નથી. જેથી હાથલા જ પૌરાણિક હસ્તિનસ્થલ હોવાનું ઇતિહાસકારો માને છે.

શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી ઉપરની શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવારી ઉપર હોય ત્યારે સુખ, શાંતિ, સમૃદ્ઘિ આપે છે. શનિદેવ ન્યાયના દેવતા છે. જેથી જે વ્યકિત કે દેવ જેવા કર્મકરે છે તે દરેકને શનિદેવકર્મ પ્રમાણે ફળ આપે છે. જેના કારણે દરેકને તેમનાથી બીક લાગે છે.

મહારાષ્ટ્રના શિંગડાપુરમાં આવેલ પ્રખ્યાત શનિ મંદિરના પુસ્તકમાં પણ શનિદેવના મુખ્ય સ્થાન તરીકે સૌરાષ્ટ્રમાં આવેલ હાથલાનો ઉલ્લેખ જોવા મળે છે. આ સ્થળ જામનગર જીલ્લાના ભાણવડ તાલુકામાં ભાણવડ ગામથી ૨૦ કિમી દૂર આવેલ છે.

પનોતી દેવીનું મંદિર હાથલામાં શનિદેવના પ્રાચીન મંદિર સાથે તેમની પત્નિ પનોતી દેવીનું પણ પ્રાચીન મંદિર આવેલું છે. જેથી અહીં આવેલ કુંડમાં મામા અને ભાણેજ સાથે સ્નાન કરી પૂજા વિધિ કરે તેમને કયારેય જીવનમાં શનિદેવની પનોતી નડતી નથી. આ કારણે જ અહીં આવતા લોકો પોતાના પગરખા પણ મંદિરે જ છોડી દે છે. પ્રાચીન માન્યતા છે કે પનોતી રૂપી પગરખાને મંદિરે ઉતારી દેવાથી પનોતી તે વ્યકિતના જીવનમાં પરત આવતી નથી તેવી ભકતોમાં શ્રધ્ધા છે.

(3:18 pm IST)