Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જુનાગઢના દામોદર કુંડ અને દામોદરજી મંદિર જેટલુ પૌરાણિક મહત્વ એટલુ જ આધ્યાત્મિક પણઃ સ્નાન કરવાથી મળે છે અનેક પાપોમાંથી મુક્તિ

જુનાગઢ: શ્રી રાધા દામોદરજી મંદિર પૌરાણિક મંદિર છે, જેનો પુરાણોમા પણ ઉલ્લેખ જોવા મળે છે, હાલના ગિરનાર ક્ષેત્રનો પુરાણોમાં વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે. અહીં ભગવાન રાધા દામોદરજી સાથે રેવતી બલદેવજી પણ બિરાજે છે અને ભારતના પ્રાચિનતમ તિર્થો પૈકીનું એક તિર્થસ્થાન છે. હાલનું શ્રીરાધા દામોદરજી મંદિર ભગવાન શ્રીકૃષ્ણના વંશજ રાજા વજ્રનાભે બંધાવ્યું હતું અને ત્યારબાદ સ્કંદગુપ્ત દ્વારા તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો.

મંદિરમાં 84 સ્તંભો છે અને ત્રણ મજલાનું છે. મંદિરમાં ભગવાન રાધા દામોદરજીની ચતુર્ભુજ સ્વરૂપે તામ્રવર્ણની પ્રતિમા છે, હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથેની પ્રતિમા છે. દામોદરજી સાથે કલ્યાણરાયજી અને બલદેવજીની સાથે પુરૂષોત્તમરાયજીની પ્રતિમા આવેલી છે, શ્રી રાધા દામોદરજીનું મંદિર બે ભાગમાં છે, મુખ્ય નિજ મંદિરનું શિખર 65 ફુટ અને મંડપની ઉંચાઈ 50 ફુટ છે. જ્યારે બલદેવજી મંદિરની ઉંચાઈ 35 ફુટ અને સભામંડપની ઉંચાઈ 16 ફુટ છે.

દામોદર કુંડ અને દામોદરજી મંદિરનું જેટલું પૌરાણિક મહત્વ છે તેટલું જ આધ્યાત્મિક મહત્વ પણ છે. ભાવિકો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ભગવાન રાધાદામોદરજી રેવતીબલદેવજી સૌના મનોરથ પૂર્ણ કરે છે. પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનું પણ મહત્વ છે, જે રીતે ગંગા અને યમુના સ્નાનનુ મહત્વ છે તે જ રીતે દામોદરકુંડમાં સ્નાન કરવાથી પાપ મુક્ત થઈ લોકો પુણ્યની પ્રાપ્તિ કરે છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા પણ દરરોજ દામોદર કુંડમાં સ્નાન કરવા આવતાં અને અહીં ભજનો ગાતાં, ગીરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી ન્હાવા જાય... જેવા પદો આપણે સાંભળતા આવ્યા છે તે જ આ પવિત્ર દામોદર કુંડ અને દામોદરજી મંદિર જૂનાગઢની પૌરાણિક ધરોહર છે.

(4:29 pm IST)