Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભાવનગર જીલ્લાના અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડમાં કાટમાળ ફેરવતી વખતે ક્રેઇન તૂટી પડીઃ જાનહાનિ અટકીઃ ધડાકા સાથે લોખંડનો સામાન નીચે પડ્યો

ભાવનગર: ભારતના સૌથી મોટા અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે જહાજમાંથી કટિંગ કરાયેલો કાટમાળ ફેરવતા સમયે દુર્ઘટના બની હતી, ભારે વજનનો સ્ક્રેપ ફેરવતા ક્રેઇનનું બૂમ તૂટી જવા પામ્યું હતું, સદનસીબે આજુબાજુમાં કોઈ કામદાર ના હોય જાનહાનિ ટળી ગઈ હતી.

ધડાકા સાથે નીચે પટકાયો લોખંડનો સ્ક્રેપ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલાં અલંગ શિપ બ્રેકિંગ અને શિપ રિસાયક્લિંગ યાર્ડ ના પ્લોટ નંબર V-1 માં ગઈકાલે સવારે 10 આસપાસના સમય દરમ્યાન જહાજમાંથી કટિંગ કરાયેલો સ્ક્રેપ ક્રેઇન મારફત પ્લોટમાં ફેરવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન લોખંડનો મહાકાય ટુકડો ક્રેઇનમાંથી છૂટી ગયો હતો. જેમાં જહાજમાંથી કાટમાળ નીચે લાવવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેઇન મારફત ઉતારવામાં આવતો તમામ સ્ક્રેપ વ્યવસ્થિત રીતે બાંધીને ઉતારવામાં આવતો હોય છે. જેમાં ઉપરની તરફ ભરાવેલા ક્રેઇનના હુકમાંથી સ્ક્રેપ છૂટો પડી જતાં ધડાકા સાથે નીચે પટકાયો હતો.

અલંગમાં અનેક વાર બને છે દુર્ઘટના

અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડમાં દેશ વિદેશના જહાજો ભાંગવાની પ્રક્રિયા રોજ બરોજ ચાલતી હોય છે, કટિંગ દરમ્યાન તમામ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોય છતાં પણ કોઈ વાર અચાનક આવી દુર્ઘટના સર્જાઈ હતી હોય છે, જેમાં ગઈ કાલે સર્જાયેલી ઘટનામાં કામદારો દૂર ઊભા હોવાથી કોઈ પણ પ્રકાર ની જાનહાનિ થતાં રહી ગઈ હતી.

તમામ પ્રકારની સેફ્ટી સાથે થાય છે કામગીરી

અલંગ શિપ બ્રેકિંગ અને શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે કામ કરતા કામદારો માટે તમામ પ્રકારની સુરક્ષાનું ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખવામાં આવે છે, જેમાં હેલ્મેટ, ખાસ પ્રકારના ચશ્મા, ડ્રેસ કોડ, અને હેવી બુટ ઉપયોગમાં લેવામાં આવે છે.

પ્લોટ નંબર V-1 માં ક્રેઇન તૂટી હતી

અલંગ ખાતે ઉદ્યોગપતિ સંજય મહેતાના પ્લોટ નંબર V-1 માં સવારે રોજિંદી કામગીરી મુજબ તમામ કામદારો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જહાજમાં કટિંગની કામગીરી પણ ચાલુ હતી. કટિંગ કરનાર લેબર દ્વારા જહાજ નો એક મોટો ભાગ કટિંગ કરવામાં આવ્યો હતો અને તેને ક્રેઇન મારફત નીચે લાવવાનો હતો. જેથી વ્યવસ્થિત રીતે બાંધીને તેને નીચે લાવી રહ્યા હતા. તે દરમ્યાન લોખંડનો એ ટુકડો ક્રેઇનના હુકમાંથી છૂટો પડી ગયો હતો અને કોઈ કઈ સમજે તે પહેલા ધડાકા સાથે નીચે પટકાયો હતો.

અકસ્માત થતાં બે જેટલી ક્રેઇન તૂટી

લોખંડનો મહાકાય ટુકડો ક્રેઇન દ્વારા નીચે ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક ક્રેઇનના હુકમાંથી તે મહાકાય ટુકડો છૂટો પડી ગયો હતો, અને બાજુમાં જ ઊભેલી બીજી ક્રેઇનની ઉપર પટકાયો હતો, તેમજ જે ક્રેઇનમાંથી છૂટો પડી ગયો હતો તે ક્રેઇનનું બૂમ પણ તૂટી ગયું હતું, જેથી કુલ બે ક્રેઇનમાં નુકશાન થયું હતું.

(4:33 pm IST)