Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અમરેલીમાં પેટ્રોલપંપના માલિક પાસેથી 10 લાખની ખંડણી માંગનાર અને એસપી નિર્લિપ્ત રાયને ચેલેન્જ ફેંકનાર છત્રપાલ વાળા ભાગી ગયો

ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ અને ફોનમાં નિર્લિપ્ત રાયને ખુલ્લી ચેલેન્જ આપનાર છત્રપાલ વાળા સામે પોલીસ એક્શનમાં આવતાં ફરાર

અમરેલમાં હાલમાં ગુરુદત્ત પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માંગી ધમકીભર્યો ફોન કરનાર છત્રપાલ વાળાની ઓડિયો ક્લિપે અમરેલી જ નહીં સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે. તેવામાં ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ અને ફોનમાં નિર્લિપ્ત રાયને ખુલ્લી ચેલેન્જ આપનાર છત્રપાલ વાળા સામે પોલીસ એક્શનમાં આવતાં જ તે ફરાર થઈ ગયો છે.

અમરેલીના ગુરુદત્ત પેટ્રોલપંપના માલિક પાસેથી નામચીન છત્રપાલ વાળાએ 10 લાખની ખંડણીના ફોન કોલની ઓડિયો ક્લિપે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ ઓડિયો કલીપ વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને પેટ્રોલપમ્પ માલિકનો સંપર્ક કરી આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરી હતી.

અમરેલીમાં આવેલાં ગુરુદત્ત પેટ્રોલ પમ્પના માલિક હિતેષ આડતિયાને છત્રપાલ વાળા નામના શખ્સે ફોન કરીને તેની પાસેથી 10 લાખની ખંડણી પેટે માંગ્યા હતા. આ નાણા આરોપી છત્રપાલે ફરિયાદીને પ્રોટેક્શન આપવા અને સારી રીતે પેટ્રોલ પમ્પ ચલાવવા માટે આ નાણાંની માંગણી કરી હતી. અને જો નાણાં નહીં આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા પેટ્રોલ પમ્પ પર ફાયરિંગ કરવાની ધમકી અને ગાળો આપી હતી. તેમજ આ ઓડિયો કિલપમાં અમરેલીના એસપી નિર્લિપ્ત રાયનો ઉલ્લેખ પણ તેણે ઓડિયો ક્લિપમાં કર્યો હતો. આ ઓડિયો કલીપ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અને આરોપી છત્રપાલ વાળાએ પોલીસને પણ ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી.

ઓડિયો ક્લીપ વાયરલ થતા પોલીસે પેટ્રોલ પમ્પના માલિકનો સંપર્ક કર્યો હતો. અને આ વાતચીત ગત.તા.01/06/2021ના રોજ બપોરના 12/59 થઇ હોવાનું પેટ્રોલ પમ્પના માલિકે સ્વીકાર્યું હતું. અને આ અંગે અમરેલીના સીટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી છત્રપાલ વિરુદ્ધ પેટ્રોલપમ્પના માલિકે હિતેશ આડતીયાએ ફરિયાદ નોંધાવી હતી.

જેને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ બળજબરીથી નાણાં કઢાવવા અને ખંડણીની ફરિયાદ દાખલ કરી હતી. હાલ આરોપી છત્રપાલ વાળા ફરાર છે. અને પોલીસ આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની કાર્યવાહી કરી રહી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું.

(11:29 pm IST)