Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2024

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

બેઠક દરમિયાન જિલ્લાની વિવિધ સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે જરૂરી પગલા અંગે સંબંધિત વિભાગોને સુચના આપી: સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક લોકો સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા જણાવતા કેન્દ્રીય રાજ્યમંત્રી

સુરેન્‍દ્રનગર:કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારૂ આયોજન હાથ ધરવા કેન્દ્રીય રાજ્યમંત્રીએ સંબધિત અધિકારીઓને માર્ગદર્શન-સુચનો આપ્યા હતા.

   આ બેઠકને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના દરેક લોકો સુધી સમયસર પહોંચે અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૈક્ષણિક યોજનાઓ, ઈ-ગ્રામ યોજના, જનની સુરક્ષા યોજના,  સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોની સમીક્ષા, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સમાજ સુરક્ષા યોજના, વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, પી.જી.વી.સી.એલ દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ અધીકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ તાત્કાલિક નિરાકરણ લાવવા જરૂરી સુચન કર્યુ હતુ.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.સી. સંપટે જિલ્લામાં ચાલતા વિવિધ યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.

 

આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, આઈ.એ.એસ. અમૃતેશ ઓરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મિલન રાવ તેમજ સંબધિત વિભાગોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:50 am IST)