Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોરબીની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં અમદાવાદના નરાધમને 10 વર્ષની કેદ.

નામદાર સ્પેશિયલ પોક્સો અદાલતે ભોગ બનનારને રૂપિયા 4 લાખ કંપેન્સેશન ચૂકવવા કર્યો આદેશ

 મોરબી શહેરમાં રહેતી સગીરાનું વર્ષ 2019માં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં મોરબીની નામદાર સ્પેશિયલ પોક્સો અદાલતે નરાધમ આરોપીને કાસુરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજા સંભળાવી રૂપિયા 18 હજારનો દંડ ફટકારી ભોગ બનનારને રૂપિયા 4 લાખ કંપેન્સેશન ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબીના ભદ્ર પરિવારની સગીરાના માતા તેણીને ટ્યુશનમાં મૂકી આવ્યા બાદ સગીરા લાપતા બનતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. જો કે અમદાવાદ સગીરાના મામાના ઘર પાસે રહેતા સચિન દિપક ચુનારા નામના શખ્સે લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવતા બનાવ અંગે સગીરાના માતાએ અમદાવાદના નરાધમ સચિન દિપક ચુનારા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન આ ગંભીર બનાવ અંગેનો કેસ મોરબીની નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટ સમક્ષ ચાલી જતા 9 મૌખિક પુરાવા અને 25 દસ્તાવેજી પુરાવાઓની સાથે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો ધ્યાને લઈ જજ ડી.પી.મહિડા સાહેબે આરોપી સચિન દિપક ચુનારાને આઇપીસી કલમ 363 અન્વયે 3 વર્ષની કેદ અને 3000નો દંડ, આઇપીસી કલમ 366 અન્વયે 5 વર્ષની કેદ અને 5000 રૂપિયા દંડ તેમજ આઇપીસી કલમ 376 (2) એન હેઠળ 10 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકારી અને દંડ ન ભરે તો વધુ નવ માસની કેદની સજા ફટકારતો હુકમ કરી ભોગ બનનાર સગીરાને રૂપિયા 4 લાખ કંપેન્સેશન ચૂકવવા આદેશ કર્યો છે

   
(6:46 pm IST)