Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

'રણમાં મીઠી વીરડી'- કચ્છમાં કોરોનાના દર્દીઓની માનવતાના મલમપટ્ટા સાથે નિઃશુલ્ક સારવાર

ગત કોરોના વેવમાં ૬૦૦ દર્દીઓ (૯૮ ટકાથી વધુ) સાજા થયા હતા : અત્યારે ૧૧૨ દર્દીઓ સારવાર હેઠળ : સરકાર, વહીવટી તંત્ર અને દાતાઓનો ઉમદા સહયોગ થકી વરિષ્ઠ રાજકીય - સામાજિક અગ્રણી તારાચંદ છેડા અને તેમના પુત્ર જિગર છેડાનો સેવાયજ્ઞ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : હું અને મારા પત્ની બન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મારી ઉ. ૮૨ વર્ષ અને પત્નીની ૮૦ વર્ષ, વર્તમાન પરિસ્થિતિમાં સારવાર સબંધિત અનિશ્ચિતતાનો અને આર્થિક મોટા ભારનો માહોલ એવા સંજોગોમાં કયાં દાખલ થવું એ ખૂબ જ મોટી મૂંઝવણ હતી. પરંતુ એ વચ્ચે મસ્કાની હોસ્પિટલ યાદ આવી. તેમાં દાખલ થયા, સ્વસ્થ થઈ પરત ઘેર ફર્યા છીએ, આ શબ્દો છે, ભુજના વરિષ્ઠ એડવોકેટ સુભાષભાઈ વોરાના !!! કોરોનાના દર્દીઓની નિઃશુલ્ક સારવાર માટે સેવાયજ્ઞ આદરનાર કચ્છના વરિષ્ઠ સામાજિક રાજકીય આગેવાન તારાચંદભાઈ છેડા અને ત્યાં સેવા આપતાં તબીબ ડો. મૃગેશ બારડને અભિનંદન આપતા કચ્છના વરિષ્ઠ એડવોકેટ સુભાષભાઈ વોરાના શબ્દોમાં રહેલા ભાવભર્યા શબ્દોમાં સેવાના આ આવિર્ભાવને નમન કરતો રણકો અનુભવાય છે. જોકે, આ લખનાર (વિનોદ ગાલા) પણ એ સેવાભાવના સાક્ષી છે.

'અકિલા'ના કચ્છ જિલ્લાના પ્રતિનિધિ તરીકે હું કામ કરું છું, મને ગત કોરોના વેવમાં ૨૮ જાન્યુ. કોરોના થયો હતો. તબિયત વધુ ખરાબ હતી. પણ, મેં પણ મસ્કા સારવાર લેવાનું પસંદ કર્યું. તારાચંદભાઈ છેડા, તેમના સુપુત્ર જિગર છેડા અને ડો. મૃગેશ બારડ ના સેવાકીય કાર્યની મ્હેંક અનુભવી. મને નવજીવન મળ્યાનો અનુભવ થયો.

આ હોસ્પિટલ એટલે કચ્છના માંડવી શહેરની ભાગોળે આવેલ મસ્કા ગામની એંકરવાલા હોસ્પિટલ!!! અત્યારે કચ્છમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાના દર્દીઓની નિઃશુલ્ક સારવાર માટે શ્રી સર્વ સેવા સંઘ સંચાલિત એંકરવાલા હોસ્પિટલ ફરી એકવાર સેવારત થઈ છે. સંસ્થાના અધ્યક્ષ, સામાજિક સેવાકીય ક્ષેત્રે અગ્રેસર, પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન નીચે ૬ તબીબોની ટીમ દ્વારા અત્યારે ૧૫૦ બેડની આ હોસ્પિટલ દર્દીઓની સેવા માટે સમર્પિત છે. શ્રી છેડાએ જણાવ્યું હતું કે, અહીં સેવા આપી રહેલા તબીબો ડો. કૌશિક શાહ અને ડો. મૃગેશ બારડના મેનેજમેન્ટ સાથે ડો. કુલદીપ વેલાણી (એમ.ડી.), ડો. સન્ની રાજપૂત, ડો. દીપ રાજપૂત, ડો. કનકસિંહ મોરીના માર્ગદર્શન નીચે ઓકિસજન ધરાવતા ૫૮ બેડ જયારે વેન્ટિલેટર, બાયપેપ સાથેના ૯ બેડ અને જનરલ વોર્ડના ૪૫ બેડ ઉપર કુલ ૧૧૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

તારાચંદભાઈ છેડાએ 'અકિલા' સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિને લક્ષ્યમાં લઈને ઓકિસજન બેડ વધારવાનું આયોજન થઈ ગયું છે અને તેને લગતું કામ ગણત્રીના દિવસોમાં જ શરૂ કરી દેવાશે. હોસ્પિટલના વ્યવસ્થાપન સંભાળતા યુવા અગ્રણી જિગર છેડાએ દર્દીઓની નિઃશુલ્ક સારવાર માટે રાજય સરકાર, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢક, સિવિલ સર્જન ડો. બુચ, ડિઝાસ્ટર મામલતદાર શ્રી પ્રજાપતિ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પાસવાન, માંડવીમાં ઇન્ચાર્જ પીઆઈ શ્રી ગોહિલ, મસ્કાના સરપંચ કીર્તિ ગોર અને ગામના સેવાભાવી યુવા કાર્યકરો તેમ જ દાતાઓ પ્રતિ આભારની લાગણી વ્યકત કરી છે.  આથી અગાઉ ઓગસ્ટ ૨૦ થી જાન્યુઆરી ૨૦૨૧ દરમ્યાન મસ્કા હોસ્પિટલ મધ્યે કોરોનાના ૬૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ સાજા થયા હતા. અહીં સારવાર લેનાર દર્દીઓ પૈકી ૯૮ ટકાથી પણ વધુ સાજા થયા છે.

(12:10 pm IST)