Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મોરબીમાં આજથી હોમ આઇસોલેટ દર્દીઓને રેમડીસીવીર ઇન્જેકશનનું વિતરણ બંધ

કાલથી વી.સી. હાઇસ્કૂલનું સેન્ટર પણ બંધ કરાશે : હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૧ : મોરબીમાં હોમ આઇસોલેટ દર્દીઓને હવેથી રેમડેસીવીર ઇન્જેકશન નહિ મળે. જેના પગલે આજથી વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર પણ બંધ કરી દેવામાં આવશે. કાલથી જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ત્યાંથી જ ઇન્જેકશન મળી રહે તેવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં છે. જેને પગલે રેમડેસીવીર ઇન્જેકશનની માંગ પણ મોટા પ્રમાણમાં છે. સામે સરકાર દ્વારા જરૂરિયાતથી ઓછી સંખ્યામાં રેમડેસીવીર ઇન્જેકશનની ફાળવણી કરવામાં આવી રહી છે. જેના કારણે તંત્ર દ્વારા ઇન્જેકશન વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આ અંગે કલેકટર તંત્રમાંથી મળતી વિગત અનુસાર આજથી મોરબીમાં હોમ આઇસોલેટ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેકશન મળશે નહીં. માત્ર હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને જ ઇન્જેકશન મળી રહેશે. હોસ્પિટલોને આ ઇન્જેકશન કઈ રીતે મળશે તે અંગે અલગથી જાણ કરવામાં આવશે. વધુમાં આજથી હોમ આઇસોલેટ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેકશનનું વિતરણ બંધ કરવામાં આવતું હોય વી.સી. હાઇસ્કૂલ ખાતે જે સેન્ટર છે તે પણ બંધ રહેશે.

(11:15 am IST)