Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મોરબી સિવિલમાં દર્દીઓની વેદના યથાવત લોબી કે એમ્બ્યુલન્સમાં દર્દીઓને અપાતી સારવાર

૩૨ બેડ ઓકિસજન મેઇન્ટેન્સનસ અને સ્ટાફના અભાવે બંધ હોવાથી દર્દીઓની કફોડી હાલત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૧ :મોરબી સિવિલ હોસ્પિટલમાં તંત્રના પાપે હજુ સુધી દર્દીઓને વેદના ઓછી થઈ નથી. ખાસ કરીને બેડની સુવિધાઓ હોવા છતાં દર્દીઓને લોબીમાં સુવડાવી કે એમ્બ્યુલન્સમાં જ બેસાડીને ઓકિસજનની સારવાર અપાઈ છે. દર્દીઓની આવી કપરી હાલત હયાત સુવિધાની યોગ્ય રીતે મેઇન્ટેન્સ ન કરવાથી સર્જાઈ છે.

 મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની છેલ્લા પંદરેક દિવસથી ભયાનક પરિસ્થિતિ છે. ખાસ કરીને બેડના ભાવે દર્દીઓ બેહાલ છે. જો કે અગાઉ બેડની અછતને કારણે દર્દીઓ રામભરોસે હોય તેવી સ્થિતિ બહાર આવ્યા પછી વધારાની સિવિલમાં ઓકિસજન બેડ ફાળવામાં આવી હતી. તેમ છતાં દર્દીઓની પીડા ઓછી થઈ નથી. તેનું કારણ બેડની મેઇન્ટેન્સ અને સ્ટાફનો અભાવ છે. આજની તારીખે સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે કુલ ૧૯૦ બેડ છે. જેમાથી ૧૭૬ બેડ ઓકિસજનવાળા છે. જ્યારે ૧૦ જેટલા વેન્ટિલેટર બેડ છે અને ૪ નોર્મલ બેડ છે. પરંતુ ૩૨ બેડ એવા છે કે જેમાં ઓકિસજન અને સ્ટાફના અભાવે બંધ પડ્યા છે.

 જેથી, આ સુવિધા હયાત હોવા છતાં મેઇન્ટેન્સના વાંકે ઉપયોગી ન થતી હોવાથી દર્દીઓની કફોડી હાલત સર્જાઈ છે. જેમાં બેડના અભાવે ઓકિસજનની જરૂરિયાતવાળા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે અને આજે પણ સિવિલમાં લોબીમાં દર્દીને નીચે સુવડાવી ઓકિસજન આપવો પડે તેવી નોબત આવી હતી. આટલું ઓછું હોય તેમ ૧૦૮ એમ્બ્યુલન્સમાં પણ દર્દીને બેઠા બેઠા જ ઓકિસજન આપવો પડ્યો હોય તેવી કપરી પરિસ્થિતિ સામે આવી હતી. વહીવટી તંત્રની આળસવૃત્તિને કારણે આજની તારીખે પણ ઓકિસજનવાળા બેડના મેઇન્ટેન્સ ન થતા દર્દીઓની પરિસ્થિતિ નાજુક બની છે.

(12:50 pm IST)