Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ચેક રિર્ટન કેસમાં ફરીયાદીને ૨૦ લાખનું વળતર ચુકવવા મુળીની કોર્ટનો આદેશ

મુળી,તા.૨૧ : મૂળી તાલુકાનાં કુંતલપુર ગામે રહેતા શખસને સરા ગામે રહેતા શખસ સાથે સારા સબંધો કેળવી ઉછીના પેટે આપેલ રૂપિયાનો આપેલો ચેક પરત ફરતા જમીન માલિકે ૧૦ લાખનો ચેક રિટર્ન થવાનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં કેસની રકમથી બમણી રકમ એટલે કે રૂ.૨૦ લાખનું વળતર ચૂકવવાનો મૂળી કોર્ટે આદેશ કર્યો હતો. જેમાં રૂ.૧૫ લાખ ફરિયાદીને અને રૂ. ૫ લાખ સરકારમાં જમા કરાવવા હુકમ કરાયો હતો.

 મૂળી તાલુકાનાં કુંતલપુર ગામે રહેતા અબ્‍દુલભાઇ આદમભાઇ આગરિયાએ સરા ગામે રહેતા દિનેશભાઇ મનસુખભાઇ માલવણિયા સાથે જૂના સબંધો હોય અને દિનેશભાઇને અગાઉ મોટરની દુકાન હોવાથી અવારન નવાર બન્ને નાણાનો વ્‍યવહાર કરતા હતા. ત્‍યારે દિનેશભાઇએ મોરબી સિરામિક કારખાનામાં ભાગ રાખેલ અને નાણાકીય ભીડનાં કારણે ૨૦૨૦માં અબ્‍દુલભાઇ પાસેથી હાથ ઉછીના ૧૦ લાખ રૂપિયા આપ્‍યા હતા.પરંતુ વર્ષ થવા છતાં ઉછીના આપેલ રૂપિયા ન ચૂકવતા અબ્‍દુલભાઇએ પૈસાની ઉઘરાણી કરી હતી.

 આથી દિનેશભાઇએ પોતાના ખાતાનો રૂ.૧૦ લાખનો તા. ૭-૧૨-૨૦૨૦નો ચેક આપ્‍યો હતો. જે અપૂરતા નાણા ભંડોળને કારણે પરત ફર્યો હતો. આથી દિનેશના કહેવાથી ફરીથી ચેક પોતાના ખાતામાં ભર્યો હતો. પરંતુ તે પણ પરત ફર્યો હતો. આથી તેમણે ૧૦ લાખનું વળતર મેળવવા માટે મૂળી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં ફરિયાદી તરફે રોકાયેલા વકીલ રણધીરસિંહ ડી.પરમારે તમામ પુરાવાઓ રજૂ કરીને દલીલો કરી હતી. જેમાં કોર્ટે રૂ.૨૦ લાખનું વળતર, આરોપીને ૧ વર્ષની સજા ફટકારી હતી. આ રકમમાંથી રૂ.૧૫ લાખ ફરિયાદી અબ્‍દુલભાઇને ચૂકવવાની સાથે રૂ.૫ લાખ સરકારમાં જમા કરાવવા આદેશ આપ્‍યો હતો.

(1:51 pm IST)