Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ભાવનગરમાં ભગવાન જગન્‍નાથની 37મી રથયાતરાને લઇને કારીગરો દ્વારા સજાવટનો આખરી ઓપ

ભગવાન જગન્‍નાથના સાફાઓ બનાવવાનું કામ કરતા પેરાલિસીસગ્રસ્‍ત પ્રફુલાબેન રાઠોડ સ્‍વસ્‍થ થતા ચમત્‍કાર થયો

ભાવનગરઃ ભાવનગરમાં ભગવાન જગન્‍નાથની 37મી રથયાત્રા નીકળતી હોવાને લઇ કારીગરો અને કલાકારો દ્વારા રંગરોગાન સુશોભન અને સજાવટની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયા છે. આજ શહેરના પેરાલિસીસગ્રસ્‍ત નિવૃત શિક્ષીકા પ્રફુલાબેન રાઠોડ સાફાઓ બનાવવાનું કામ કરતા અચાનક સ્‍વસ્‍થ થઇ જતા ચમત્‍કાર થયો છે.

શહેર ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે ખાસ વાઘા અને સાફાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના રંગબેરંગી કાપડમાં વિવિધ પ્રકારના ભરતકામ-ટીકી અને મોતીઓ દ્વારા સજાવટ કરી વાઘાઓ તેમજ સાફાઓ તેમના ખાસ કારીગર દ્વારા તૈયાર કરી આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.

આ વર્ષે ભાવનગર ખાતે રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના માર્ગો પર નીકળનાર છે. જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલારામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળનાર છે ત્યારે તેમના માટેના સુશોભિત વાઘા અને સાફાઓ ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સાધુ પરિવારના હરજીવનદાસ દાણીધારિયા નામના કારીગર છેલ્લા ૨૫ વર્ષથી નિશ્વાર્થ ભાવે ભગવાન જગન્નાથજી, બલરામ અને સુભદ્રાજીના વાઘા તૈયાર કરી રહ્યા છે. વર્ષો વર્ષ તેઓ તેમાં વિવિધતા સાથે અલગ અલગ ભાતો મૂકી આ વાઘા તૈયાર કરે છે. જેમાં આ વખતે ખાસ રંગબેરંગી કાપડમાં અલગ અલગ ડીઝાઈનો, ભરતકામ, પેચવર્ક વગરે કામ કરી આ વાઘા તૈયાર કર્યા છે. આ વાઘા અંદાજીત રૂ. ૮ થી ૧૦ હજારની કિંમતમાં તૈયાર થાય છે. જેમાં ક્યારેક દાતાઓ તરફથી તો ક્યારેક રથયાત્રા સમિતિ દ્વારા મટીરીયલ આપવામાં આવે છે. જેને હરજીવનભાઈ ૧૫ દિવસમાં વિનામૂલ્યે તૈયાર કરી આપે છે અને પ્રભુના આ કામને લઈને ધન્યતા અનુભવે છે.

ભગવાનના વાઘાની સાથે સાથે અતિ સુંદર સુશોભન કરીને ભગવાન જગન્નાથજી, ભાઈ બલારામ અને બહેન સુભદ્રાજી માટે સાફાઓ પણ તૈયાર કરવામાં આવે છે. આ સાફાઓ એક નિવૃત મહિલા શિક્ષક પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ગોલ્ડન કાપડનો ઉપયોગ કરી તેમાં વિવિધ પ્રકારના આર્ટનો ઉપયોગ કરી આ સાફાઓ તૈયાર કરવામાં આવે છે. અંદાજીત ૨૦૦૦ રૂ. આજુબાજુ ના ખર્ચ સાથે નો એક સાફો એવા અલગ અલગ સાફાઓ તેઓ તૈયાર કરી રહ્યા છે. જયારે એક સાફો તૈયાર કરતા ૩ દિવસ લાગે છે. સાફા બનાવતી નિવૃત શિક્ષિકા મહિલાને ગત વર્ષે પેરાલીસીસ થઇ ગયું હતું, પરંતુ સારવાર બાદ ફરી સાજા થઇ જતા ભગવાન જગન્નાથજીનો આભાર માની ગળગળા સ્વરે જણાવ્યું હતું કે હું આ સાફા નિસ્વાર્થ ભાવે બનાવું છું. જેની સેવાનું ફળ છે કે ભગવાને તેમને સાજી કરી ફરી સાફા બનાવવા પ્રેરિત કરી છે. જો કે તેઓને જ્યારે પેરાલિસિસનો એટેક આવ્યો ત્યારથી કોરોનાને કારણે રથયાત્રા બંધ જ હતી. હવે જ્યારે રથયાત્રા નિકળી રહી છે ત્યારે તેઓ સંપુર્ણ સ્વસ્થ થઇ ચુક્યાં છે.

(5:48 pm IST)