Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મોરબીમાં તંત્રના પાપે નવા બસ સ્‍ટેન્‍ડ પાસે ખુલ્લી ગટરમાં વધુ એક બસ ખાબકી

વારંવાર ખુલ્લી ગટરમાં બસ ખુંપી જતી હોવા છતાં તંત્ર તાબોટા પાડતું હોવાથી લોકોમાં ભારે રોષ

(પ્રવિણ વ્‍યાસ દ્વાર) મોરબી,તા ૨૧ : મોરબી નગરપાલિકા તંત્રના પાપે નવા બસ સ્‍ટેન્‍ડ પાસે ખુલ્લી ગટરમાં વધુ એક બસ ખાબકી હતી અને બસનું ટાયર ગટરમાં બુરી રીતે ફસાઈ જતા મુસાફરો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા.વારંવાર ખુલ્લી ગટરમાં બસ ખુંપી જતી હોવા છતાં તંત્ર તાબોટા પાડતું હોવાથી લોકોમાં ભારે રોષ વ્‍યાપી ગયો છે.

મોરબીના નવા બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલી ભૂગર્ભ ગટર ઘણા સમયથી ખુલ્લી હોવાથી નવા બસની અંદર-બહાર જતી બસો આ ખુલ્લી ગટરમાં અનેક વખત ફસાઈ ગયાના બનાવ વચ્‍ચે નવા બસ સ્‍ટેન્‍ડ પાસેની ખુલ્લી ગટરે વધુ એક આફત નોતરી હતી. જેમાં આજે વહેલી સવારે નવા બસ સ્‍ટેન્‍ડ પાસે પસાર થતી લકઝરી બસ ખુલ્લી ગટરમાં ખાબકી હતી. આ બસનું ટાયર ગટરમાં બુરી રીતે ફસાઈ ગયું હોવાથી મુસાફરોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. મોરબી અમદાવાદ રૂટની આ બસ ગટરમાં ફસાઈ ગયા બાદ મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. જો કે તંત્રની બેદરકારીને કારણે આવી ઘટના છાસવારે બને છે જેમાં એસ ટી તંત્ર અને નગરપાલિકા તંત્રના પાપે મુસાફરોને ભોગવવું પડે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, નવા બસ સ્‍ટેન્‍ડ સામે ઘણા સમયથી ગટરની કુંડી ખુલી છે. આ ગટરની કુંડીમાં ઢાકણું જ ન હોવાથી જોખમી બની ગઈ છે. જો કે નગરપાલિકાએ અગાઉ બેથી ત્રણ વખત આ સમસ્‍યા હલ કર્યાનો દાવો કર્યો હતો. પણ હકીકતમાં થુંકના સાંધા કર્યા હોવાથી ગટરની કુંડી ખુલ્લી રહી જતા વારંવાર બસો ખુંપી જતી હોવાથી મુસાફરોને મુશ્‍કેલી સહન કર્યા સિવાય છૂટકો રહયો નથી.

(12:52 pm IST)