Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કચ્છના સફેદરણમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી: વિશ્વ ભારતીય સંસ્કૃતિ અપનાવી યોગ દ્વારા આત્મશુદ્ધિ કરી રહ્યું છે : ડો.નીમાબેન આચાર્ય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં કુલ ૩૯૦૬ યોગના કાર્યક્રમો યોજાયા તેમાં જિલ્લામાં અંદાજે પાંચ લાખ જેટલા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : આજરોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વના ૧૯૩ દેશો સાથે મૈસુર પેલેસ, મૈસુરૂ ,કર્ણાટકથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યકક્ષાનો અને કચ્છના સફેદ રણ ધોરડો ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ વિધાનસભા અધ્યક્ષા શ્રી નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયો હતો. યોગપ્રેમીઓને સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, યોગ વૈશ્વિક પર્વ બની ગયો છે. યોગ વ્યક્તિ માટે નહીં યોગ સંપૂર્ણ માનવતા માટે છે. આ વર્ષે યોગની થીમ ,માનવતા માટે યોગ છે. આ માટે હું સંયુક્ત રાષ્ટ્રસંઘ અને બધા દેશોનો દેશવાસીઓ તરફથી આભાર માની દેશવાસીઓને પણ અભિનંદન પાઠવું છું. 

આ તકે વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આંતરિક શાંતિ યોગ દ્વારા મળી શકે છે. આંતરીક  થી લઈ ગ્લોબલ શાંતિ યોગ દ્વારા મળી શકે છે. શ્વાસ, સંતુલન, સહયોગની અદભુત પ્રેરણા યોગ આપે છે. આજે યોગ જીવનનો ભાગ જ નહીં જીવનનો માર્ગ પણ બની રહ્યો છે. યોગને જાણવાનો,અપનાવવાનો, જીવવાનો, પામવાનો અને વિકસાવવાનો છે. યોગ સાથે જોડાયેલી અનંત સંભાવનાઓને સાર્થક કરીએ. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, યોગના માધ્યમથી સ્વાસ્થ્ય અને સુખાકારી મેળવીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સૌની સુખાકારી માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા રાજ્યમાં થયેલી યોગ બોર્ડની રચનાના પગલે યોગ શીખવવા યોગ ટ્રેનર મળે તેવી વ્યવસ્થા સરકાર કરે છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણે સૌ યોગને જીવનનો ભાગ બનાવવા સંકલ્પબદ્ધ થઈએ તથા યોગમય બની રોગમુક્ત રહીએ.  

જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય યોગ બોર્ડના સહયોગથી કચ્છના સફેદરણ ધોરડો ખાતેથી યોગ પ્રેમીઓને યોગ પ્રવચનમાં વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે,  યોગને વિશ્વ ફલક પર લાવવા તથા માનવ જાતને સુખાકારી, આરોગ્ય અને માનવતા તરફ દોરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં તા.૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ ૧૯૮ દેશો સામે  પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મહર્ષિ પતંજલિ, હિરણ્યગર્ભ અને સનત કુમાર જેવા અનેક પ્રાચીન ઋષિઓએ યોગની ભેટ આપી છે . તેને વિશ્વ ફલક પર મૂકીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થઇ રહયો છે. વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે, યોગ દ્વારા તન મન અને આત્માની શુદ્ધિ થાય છે. યોગ દ્વારા આપણે રોગ મટાડીને સ્વચ્છ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ. આ તકે રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોચ શ્રી વિજયભાઇ શેઠ અને તેમની ટીમે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ યોગપ્રેમીઓને યોગ કરાવ્યા હતા. આ તકે ૩૦૦૦થી વધુ યોગઅભ્યાસીઓ ઉપસ્થિત રહીને યોગાસનો કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળો પૈકી કચ્છ જિલ્લાના સાત સ્થળોએ પણ આજરોજ યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જે પૈકી સફેદરણ ઉપરાંત ધોળાવીરા, લખપત ગુરુદ્વારા, આઈના મહેલ ભુજ, વિજયવિલાસ પેલેસ માંડવી, માંડવી બીચ, મુન્દ્રા પોર્ટમાં પણ યોગ પ્રેમીઓએ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત જિલ્લાના તાલુકાઓમાં, સાત નગરપાલિકા તેમજ તમામ ગ્રામ પંચાયતો, ૧૮૮૨ પ્રાથમિક શાળાઓ, ૪૮૩ માધ્યમિક શાળાઓ, ૪૪ કોલેજો અને યુનિવર્સિટી તથા ૧૦ આઇ.ટી.આઇ, ૫૨૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, બે જિલ્લા પોલીસ જેલ, ૩૧ પોલીસ સ્ટેશન, તેમજ ગ્રામ્યકક્ષાએ ૭૧૨ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યોગાઅભ્યાસનું આયોજન કરાયું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં કુલ ૩૯૦૬ યોગના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં જિલ્લામાં અંદાજે પાંચ લાખ જેટલા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો .આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી શ્રી મનન ઠક્કરે કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર શ્રી હનુંમતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી શ્રી અતિરાગ ચાપલોત, ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી વિવેક બારહટ, નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી શ્રી કલ્પેશ કોરડીયા,  જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડો.ભગવાનભાઈ પ્રજાપતિ,  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે. પી. પ્રજાપતિ, જિલ્લા આંકડા અધિકારી શ્રી રોહિત બારોટ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી મોહસીનખાન પઠાણ તેમજ રમતગમત અધિકારી શ્રી પરમાર, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનરે શ્રી વી. એન વાઘેલા, કાર્યપાલક ઇજનેર શ્રી ઠાકોર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી કનક ડેર, , તાલુકા વિકાસ અધિકારી શ્રી શૈલષભાઇ રાઠોડ ,ધોરડો ગામના સરપંચ શ્રી મીયાં હુસેન મુતવા તેમજ વહીવટી તંત્રના સર્વ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં યોગ સાધકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા .

(2:33 pm IST)