Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મોરબીની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે યોગ દિવસની ઉજવણી.

એન. મહેતા આર્ટ્સ કોલેજ, એમ. એમ. સાયન્સ કોલેજ તથા જી. જે. શેઠ કોમર્સ કોલેજનું આયોજન : રક્તદાન કેમ્પ પણ યોજાયો

મોરબી: સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, એમ. એમ. સાયન્સ કોલેજ તથા જી. જે. શેઠ કોમર્સ કોલેજના પ્રાંગણમાં સંયુક્તરૂપે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આ કાર્યક્રમમાં સર્વોદય એજયુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઇ મહેતા, ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી તથા અતિથિ વિશેષ સ્થાને મોરબી સિવિલ હોસ્પિટલના ડો. સોમ્યા મિશ્રા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં પ્રિ. કે. આર. દંગી, પ્રિ. એચ. સી. માંડવિયા, અધ્યાપક ગણ, બિનશૈક્ષણિક કર્મચારી ગણ, એન. સી. સી. કેડેટ, એન. એસ .એસ. સ્વયં સેવકો તથા ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ સામેલ થયેલ.
સવારે આઠ વાગ્યે શરૂ થયેલી કાર્યક્રમના પ્રથમ ચરણમાં સરળ સ્વરૂપના પરંતુ ઉપયોગી એવા વિવિધ આસનો અને વિવિધ કસરત દ્વારા યોગ કરવામાં આવેલ. અંજલી હળવદિયા, જયદીપ ડાંગર તથા વિશાલ જાદવ દ્વારા યોગનું આ સેશન ચલાવવામાં આવેલ. ઉપસ્થિત મહાનુભાવોએ યોગના મહત્વ અંગે પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ. કાર્યક્રમનું સમગ્ર આયોજન કૅપ્ટાન (ડૉ.) બી. એમ. શર્માના નેતૃત્વ હેઠળ એન. સી. સી. યુનિટ દ્વારા કરવામાં આવેલ. જેમાં એન. એસ. એસ. વિભાગ સામેલ થયેલ. કાર્યક્રમનું સંચાલન એન. એસ. એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર (ડો.) રામ વારોતરીયા દ્વારા કરવામાં આવે છે. આભાર વિધિ પ્રિ. માંડવીયા દ્વારા કરવામાં આવેલ.
બીજા ચરણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં સી. એસ. સી. કેન્દ્રના ઇન્ચાર્જ દીપેન ભટ્ટ, મોરબી સિવિલ હોસ્પિટલ સ્ટાફ, આર્મી ઈમરજન્સી બ્લડ ગૃપના જગદીશ વનોલ-સુખવિન્દર અને તેમની ટીમે સુચારુ વ્યવસ્થા ગોઠવેલ. સૌ પ્રથમ ડૉ. શર્મા, ડૉ. વારોતરીયા તથા દીપેન ભટ્ટ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ. ત્યાર બાદ એન. સી. સી. કેડેટ, એન. એસ. એસ. સ્વયંસેવકો, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેટ કરી કુલ ૨૭ બોટલ બ્લડનું દાન કરવામાં આવેલ.

(11:21 pm IST)