Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

બે ફોલ્ટ લાઇનો ભેગી થતા કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપના આંચકાઓ

કેન્દ્ર સરકારના સંશોધનમાં સાઉથ વાગડ અને કચ્છ મેઈન લાઈન ફોલ્ટ ભેગા થતાં હોવાનું તારણ : ૬ ફોલ્ટ લાઈનોના સંશોધન માટે અપાયેલા ૮ પ્રોજેકટ પૂર્ણ : ભૂકંપના આંચકા અટકાવી ન શકાય, પરંતુ લોકોએ ટેવાવું પડશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : ૨૦૦૧ ના ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ભૂસ્તશાસ્ત્રીઓ દ્વારા સતત અભ્યાસ અને સંશોધન થઇ રહ્યાં છે. તો, કેન્દ્ર સરકારના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગ મારફતે પણ સંશોધનો હાથ ધરાયા છે. અત્યારે પણ કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવતા રહે છે.

વર્ષ ૨૦૦૧માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં ભૂકંપના કંપનો જાણે સામાન્ય બની ગયા છે. બેથી ત્રણની તીવ્રતાનો આંચકો જાણે રોજિંદો થઈ ગયો છે, તો પખવાડિયા – મહિને ૩ થી ૪ની તીવ્રતાના આંચકા અનુભવતા હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે. આ પ્લેટો વચ્ચેની ધ્રુજારી આપણે અટકાવી શકીએ નહીં, પરંતુ ભૂકંપથી થતી નુકસાની અટકાવી શકાય છે, જેથી ભૂકંપના આંચકાથી બચવા લોકોએ સતર્ક રહેવું જરૂરી છે.વર્ષ ૨૦૦૧માં ભૂકંપ આવ્યા બાદ કચ્છમાં કંપનનો દોર યથાવત રહેતા વર્ષ ૨૦૧૫માં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચના અપાઈ હતી.

કચ્છમાં ભૂકંપની ૬ ફોલ્ટલાઈન આવેલી છે. આ લાઈનોમાં સંશોધન માટે જુદા-જુદા ૮ પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યા હતા, જેનું સમાપન આ વર્ષે થયું છે. ખાસ તો કઈ ફોલ્ટલાઈનમાં કયા સમયે કેટલી તીવ્રતાનો આંચકો આવે છે, કઈ ફોલ્ટલાઈન વધુ સક્રિય છે, તેની આસપાસના વિસ્તારોમાં કેટલી નુકસાનીની તીવ્રતા છે તે સહિતના તારણનો અભ્યાસ કરાયો હતો.

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ વિભાગના વડા ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ભૂકંપ અંગે છેલ્લા ૬ વર્ષથી સંશોધનો કરવામાં આવ્યા હતા, જેના તારણો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. વાગડમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે તે બાબતે કહ્યું કે, વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ બે લાઈનો ભેગી થતી હોવાથી અવાર નવાર ભૂકંપના આંચકા આવે છે.

ખાસ તો આ વિસ્તારમાં જયાંથી ફોલ્ટલાઈન પસાર થાય છે તે ફોલ્ટલાઈન આપણે બંધ કરી શકીએ નહીં. કારણ કે, આ કુદરતી ઘટના છે, જેથી આ વિસ્તારમાં બાંધકામ કરતા પૂર્વે ફોલ્ટલાઈનને ધ્યાને લઈએ તો નુકસાનીથી બચી શકીએ તેમ છે. મોટે ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે ર૦૦૧ના ધરતીકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જે-તે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયો, જેના કારણે ૬ મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા ૭૫ કિ.મી. સુધી પ્લેટો તૂટી ગઈ હતી, જેની નુકસાની આજપર્યંત યથાવત રહેતા આ વિસ્તારમાં આંચકા આવતા હોય છે.

આ નુકસાની હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી તેમજ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી લાંબુ ભંગાણ થયું છે, જેથી ભૂકંપના નવા આંચકા આ વિસ્તારમાં નોંધાવા સામાન્ય બાબત છે.

(10:53 am IST)