Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વરસાદ ખેંચાયા બાદ હળવદના અમરાપર ફીડરમાં અનિયમિત પાવરથી ખેડૂતોમાં રોષ : રજુઆત માટે ટોળા ઉમટ્યા

ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત માત્ર નાટક

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૨૧: હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેલો મોલ મુરજાઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે પરંતુ હળવદના અમરાપર ફીડર હેઠળ આવતા ૮ જેટલા ગામના ખેડૂતોને લબક – ઝબક વીજળી આપવામાં આવતી હોવાનો આરોપ લગાવી ખેડૂતોએ આજે વીજ કચેરીએ હલ્લાબોલ કરી ૧૦ કલાક પુરેપૂરો એક સાથે વીજ પુરવઠો આપવા માંગ દોહરાવી છે.

હળવદ તાલુકાના અમરાપર ફીડર હેઠળ આવતા આઠ જેટલા ગામોમાં પાછલા દ્યણા સમયથી વીજ પુરવઠો અનિયમિત અપાતો હોવાની અને મોટા ભાગના સમયે લાઈન ફોલ્ટમાં જ રહેતી હોવાથી ખેડૂતો અમરાપર ફિડર ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. જો કે ત્યાથી ખેડૂતોને કોઈ યોગ્ય જવાબ ન મળતાં ખેડૂતો દ્વારા હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે.

અમરાપર ફિડર હેઠળ આવતા અજીતગઢ, ખોડ, જોગડ, કીડી, અમરાપર, મીયાણી, ટીકર તેમજ નવા દ્યાટીલા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ પાછલા ઘણા સમયથી પુરેપુરો વિજ પુરવઠો એકસાથે આપવામાં આવતો નથી. જયારે પણ લાઈટ આપવામાં આવે ત્યારે લબક-ઝબક વીજળી આપવામાં આવતી હોય. જેના કારણે બે વિઘા પણ જમીન પાઈ શકાતી નથી. સાથે જ જો લાઇન ફોલ્ટમાં ગઈ હોય તો અનેક રજૂઆત કરવા છતાં પણ યોગ્ય સમયે રીપેરીંગ કરવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી, આજે અમરાપર ફિડર ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા. પરંતુ ત્યાં કોઈ યોગ્ય જવાબ ન મળતા હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

(11:51 am IST)