Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

હળવદમાં જન સંવેદના યાત્રામાં ભાજપ સરકાર ઉપર 'આપ'ના આકરા પ્રહાર

હળવદ, કવાડિયા અને માથકના કોરોનામાં મૃત્યુ પામેલ વ્યકિતને શ્રધ્ધાંજલિ અપાઇ

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૨૧: આમ આદમી પાર્ટી આયોજિત જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત કોરોના કાળમાં મૃત્યુ પામેલ વ્યકિતઓને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓ હાજર રહ્યા હતા. સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેઓ મેં ખેશ પહેરાવવામાં આવ્યો હતો.

હાલ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે આજે જન સંવેદના મુલાકાત અંતર્ગત હળવદ તાલુકાના કવાડિયા તેમજ હળવદ શહેર અને માથક ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા, પ્રવિણભાઇ રામ, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ રંગપરીયા, ખેડૂત અગ્રણી ગોવિંદભાઈ વાલાણી સહિતના હાજર રહી કોરોના કાળમાં મૃત્યુ પામેલ વ્યકિતઓને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી.

જાહેરસભામાં ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે. ભાજપને જાકારો આપવાનો, ભાજપ સરકારે છેલ્લાં બે વર્ષમાં છ હજારથી વધુ શાળાઓ બંધ કરી દીધી છે. આ સરકારના રાજમાં લોકોને જીવતા જીવ તો બધી કચેરીઓમાં લાંચ આપવી પડે છે. પરંતુ કોરોનાકાળમાં સ્વજનોને સ્મશાને અગ્નિસંસ્કાર આપવા માટે લાંચ દેવી પડી છે. જે લોકો કયારેય નહીં ભૂલે. હળવદમાં અમારો કાર્યક્રમ ન યોજાય તે માટે ભાજપના લોકો દ્વારા અમને જે વ્યકિત સભા કરવા જગ્યા આપે તો એમને ઉપરાંત મંડપવાળાને, ખુરશીઓ વાળાને, સાઉન્ડ વાળાને દબાવવામાં આવે છે. ભાજપ સરકાર લોકોને રોજીરોટી તો આપી શકતી નથી પરંતુ જે વ્યકિત રોજીરોટી કમાઈ છે તેની પણ છીનવી રહી છે.

(11:53 am IST)