Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ઉપલેટાની ગણોદ પ્રાથમિક શાળાના આચાર્યને ધાક-ધમકીઓ આપતા પોલીસમાં ફરિયાદ

ગણોદ ગામના જયેશ સિંઘલ વિરૂધ્ધ આચાર્યએ નોંધાવી ફરિયાદ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૨૧ : ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં આવેલ ગણોદ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ નારણભાઈ બકોત્રા તેમજ તેમનો સ્ટાફ તેમજ પાસે રહેલ આયુર્વેદિક દવાખાનામાં કામ કરતા વ્યકિત સહિત શાળામાં હતા તે દરમિયાન ગણોદ ગામમાં રહેતા જયેશભાઈ કરમણભાઈ સિંઘલ નામની વ્યકિત આવેલ અને ઝાડનો રોપ માંગેલા ત્યારે આચાર્ય દ્વારા રોપ આપવા જતા જયેશભાઈ દ્વારા એક કુંડામાંથી ઝાડ ઉખેડી લીધેલ ત્યારે આચાર્ય દ્વારા ઝાડ નહિ ઉખેડવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા જયેશભાઈ દ્વારા આચાર્યને એવું કહેવામાં આવ્યું કે આ ઝાડ કે આ સ્કૂલ તારા બાપની નથી અને અમારે જોઈએ તે અમે લઈ જશું તેમ કહી આચાર્ય સુભાષભાઈને ગાળો આપી અને ગણોદથી બદલી કરી નાખવાની વાત કહી ઉપરાંત ટાંટિયા ભાંગી નાખીશ તેવું કહ્યું હોવાની બાબતની ગણોદ પ્રાથમિક શાળામાં આચાર્ય સુભાષભાઈ બકોત્રાની ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની બાબતને લઈને ગણોદ પ્રાથમિક શાળાના આચાર્ય સુભાષભાઈ બકોત્રા સાથે વાત કરતા આચાર્ય દ્વારા એવું જણાવાયું છે કે આ શખ્સ દ્વારા અગાઉ પણ શાળા ખાતે ટોળું લઈને ધમકીઓ આપવા આવેલ હતા ઉપરાંત રસ્તે પણ આડા પડી અગાઉ પણ ધમકીઓ આપી હોવાનું જણાવ્યું હતું પરંતુ આચાર્ય દ્વારા આ બાબતે જતું કરેલ હતું પરંતુ કોઈ સુધારો નહિ દેખાતા અને ધમકીઓ આપતા હોવાથી અંતે આચાર્યએ આ અંગેની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકે નોંધાવી નોંધાવી છે જે બાદ ઉપલેટા પોલીસે કલમ ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:59 am IST)