Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

જુનાગઢ ભારતીય સિન્ધુ સભા મહિલા વિભાગ દ્વારા સિન્ધી થાળી સ્પર્ધા યોજાઇ

સ્પર્ધામાં ૧૩૦ થી વધુ મહિલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અગણિત યુવતિઓએ સિન્ધી સમાજનું પારંપરીક ભોજન જોયું-શિખ્યુ

જુનાગઢ તા. ર૧ : કોરોનાની મહામારીમાં લોકડાઉન અનેઆંશિક લોકડાઉનમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ માટેની પ્રોત્સાહક સ્પર્ધાઓ જાણે કે અલોપ જ થઇ ગઇ હતી. કોરોનાની અસરોમાંથી કળ વળતા જ જૂનાગઢમાં ભારતીય સિન્ધુ સભાની મહિલા ટીમ દ્વારા સિન્ધી થાળીની સ્પર્ધાઓ યોજીને મહિલાઓને સામાન્ય જીવનમાં આગળ વધવા પ્રોત્સાહીત કરી હતી.

રવિવારના રોજ ભારતીય સિન્ધુ સભાના પ્રમુખ શ્રીમતી ચંદ્રીકાબેન અમલ અને તેમની ટીમ દ્વારા એક નવીન સ્પર્ધાનું આયોજન જુનાગઢના અલગ-અલગ વિસ્તારોમાં ગોઠવ્યું હતું. જેનો મુખ્ય વિષય હતો પારંપરીક સિન્ધી ભોજન ખાસ કરીને જ અત્યારના યુગમાં લુપ્ત થતુ જાય છે તે વાનગીઓ અત્યારની પેઢીને જોવા અને શીખવા મળે તે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો. સિન્ધી સમાજની ભાષા તેમજ પારંપરીક ભોજનની પ્રથાને જાળવવા મહિલા વિભાગે બીડુ ઝડપીને તેની શરૂઆત સિન્ધી થાળી સ્પર્ધા યોજીને કરી છે.

આ સ્પર્ધામાં ૧૩૦ થી વધુ મહિલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અગણિત યુવતિઓએ સિન્ધી સમાજના પારંપરીક ભોજન જોયું-શિખ્યુ હતું. આ સ્પર્ધાને સફળ બનાવવા ભારતીય સિન્ધુસભા ગુજરાતના મંત્રી સુનિલભાઇ નાવાણી અને જુનાગઢના કોર્પોરેટર શ્રી કિશોરભાઇ અજવાણી તેમજ ભારતીય સિન્ધુ સમાજની ટીમ અને સ્વામી લીલાશાહ સોસાયટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(12:42 pm IST)