Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મોરબીમાં બેવડી હત્યા પ્રકરણમાં મૃતક મુસ્લિમ અગ્રણીની પત્ની સામે માર માર્યાની ફરિયાદ નોંધાઈ.

સગીર સહિત પાંચેય આરોપીઓ પકડાયા બાદ એક આરોપીની ફરિયાદ પરથી ગુન્હો નોંધાયો

મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને રાજકીય તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી અને તેમના પુત્રની ગત બુધવારે રાત્રે ઘરમાં ઘૂસીને પાંચ શખ્સોએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવાના ચકચારી કેસમાં પોલીસે ગઈકાલે એક સગીર સહિત પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે આરોપીઓએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં બેવડી હત્યા પ્રકરણમાં મુસ્લિમ અગ્રણીની પત્ની સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને રાજકીય તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી ગત તા.૧૫ સપ્ટેમ્બરની રાત્રે પોતાના પરિવાર સાથે હાજર હતા. ત્યારે રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ તે જ વિસ્તારમાં રહેતા પાંચ શખ્સો છરી, ધારીયા જેવા ઘાતક હથિયારો સાથે તેમના ઘરમાં ઘુસ્યા હતા અને ફારૂકભાઈ અને તેમના પરિવારજનો કઈ સમજે વિચારે એ પહેલાં પ્રિપ્લાન કરીને આવેલા પાંચેય શખ્સો ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝભાઈ ઉપર છરી, ધારીયા સાથે તૂટી પડ્યા હતા અને પાંચેય શખ્સોએ થોડી જ વારમાં ખૂનની હોળી ખેલીને ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝભાઈને છરી, ધારીયાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
બેવડી હત્યા કેસમાં ગઈકાલે પોલીસે વીસીપરા વિસ્તાર પાસેથી આરોપીઓ ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમહંમદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જુસબ જાકમ ભટ્ટી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે આરોપી આસિફ સુમરાને બરોડાથી ઝડપી લેવાયો હતો. દરમિયાન આરોપી આફતઅલી ઉર્ફે અસગર અલી ઉર્ફે અસો જાકમભાઇ ભટ્ટીએ મૃતક ફારૂકભાઈના પત્ની રજીયાબેન ફારૂકભાઇ મોટલાણી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને આરોપીના પતિ સાથે અગાઉની ચુટણી બાબતે તકરાર ચાલતી હોય જે અંગે આરોપીના ઘેર જતા તકરાર થતા આરોપીએ લાકડી વડે ફરીયાદીને માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:54 am IST)