Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મોરબીમાં નવરાત્રીમાં ધૂમ મચાવવા પ્રજ્ઞાચક્ષુ ઓરકેસ્ટ્રા મેદાનમાં, આયોજકોએ સહયોગ માટે અપીલ

શેરી, મહોલ્લા, ગ્રુપના દાંડિયા રાસના આયોજનમાં દિવ્યાંગોને રોજગારી આપવા અનુરોધ

મોરબી : માં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ નજીક આવી રહ્યો છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવ ધૂમ મચાવવા પ્રજ્ઞાચક્ષુ ઓરકેસ્ટ્રા ગ્રુપ સજ્જ બન્યું છે. આ ગ્રુપ સંગીત અને ભક્તિના સથવારે લોકોને દાંડિયા રાસે ઝુમાવવા આતુર છે. તેથી શેરી, મહોલ્લા, ગ્રુપના દાંડિયા રાસના આયોજનમાં દિવ્યાંગોને રોજગારી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબીના લક્ષ્મીનગર પાસે આવેલ સંસ્થાના વસાહતમાં રહેતા પ્રજ્ઞાચક્ષુઓને સ્વમાનભેર રોજગારી મળે તે માટે પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ત્યારે આ ગ્રુપ કોઈપણ પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પોતાની સંગીત કલાના સથવારે લોકોને મનોરંજન કરાવી રોજગારી મેળવે છે. ત્યારે નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. માં શક્તિની ભક્તિ કરવાનો અવસર નજીક આવી રહ્યો છે. આથી પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ આ નવરાત્રીના મહાપર્વને લોકો સાથે ઉજવવા આતુર છે.
નવરાત્રી દરમિયાન ગરબા-દાંડિયાના આયોજન પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે કરી આ દિવ્યગોને રોજગારી માટે મદદરૂપ થવાની હાકલ કરવામાં આવી છે. જેથી માંતાજીની ભક્તિ પણ થશે અને પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને રોજગારી પણ મળશે. આથી શેરી-ગલી, મહોલ્લા કે સોસાયટીમાં ગરબા-દાંડિયા રાસના આયોજન પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે કરવા માંગતા લોકોએ હાતીમભાઇ એસ. રંગવાલા મો.94299 78930 નો સંપર્ક સાધવો.

(11:23 am IST)