Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ગોંડલના શિવરાજગઢ ગામે શ્રમીક કાલીસિંગ બ્લેક મેઇલીંગ કરતો હોય પતાવી દેવાયો'તો

હત્યા કરનાર પંકેશ ઉર્ફે મડીયો સોલંકીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા તથા રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહીલ તથા ટીમે ભેદ ઉકેલ્યો હત્યાનો ભોગ બનનાર કાલીસિંહ આરોપીની વતનમાં રહેલી ગર્લફ્રેન્ડ બાબતે બ્લેક મેઇલીંગ કરી દારૂ પીવા અવારનવાર પૈસા માંગી ગાળો કાઢતો હોય પતાવી દીધાની આરોપી પંકેશની કબુલાત

રાજકોટ, તા., ર૧: ગોંડલના શિવરાજગઢ ગામે મૂળ મધ્યપ્રદેશના ચારોલી ગામના કાલીસિંગ ખુમાનસિંગ બારૈયા (ઉ.વ.૪૭)ની હત્યાનો ગણતરીના કલાકોમાં જ રૂરલ પોલીસે ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી છે. મૃતક કાલીસિંગ બ્લેક મેઇલીંગ કરતો હોય પતાવી દીધાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ શિવરાજગઢ ગામે કેશુભાઇ પટેલની વાડીએ રહેતા અને મજુરીકામ કરતા કાલીસિંગ બારૈયાને કોઇ અજાણ્યા શખ્સોએ હુમલો કરી માથામાં અને શરીરે ઇજા કરતા ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા  બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

દરમિયાન આ હત્યાના બનાવનો ભેદ ઉકેલવા રૂરલ એસપી બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા તથા રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહીલ અને પીએસઆઇ એસ.એ.રાણાની ટીમે બાતમીદારોને કામે લગાડી હત્યા કરનાર આરોપી પંકેશ ઉર્ફે મડીયો રાયસીંગ માનઠાકુર સોલંકીને દબોચી લઇ પુછતાછ કરતા પોતે જ કાલીસિંગની હત્યા કર્યાની કેફીયત આપી હતી .

પોલીસ પુછતાછમાં આરોપી પંકેશે એવી કબુલાત આપી હતી કે, વતનમાં રહેલી તેની ગર્લફ્રેન્ડ બાબતે મૃતક કાલીસિંગ બ્લેક મેઇલીંગ કરી અવારનવાર પૈસા પડાવતો હોય અને જો તે પૈસા ન આપે તો ગાળા-ગાળી કરી ગર્લ ફ્રેન્ડ અંગે પોતે તેના પરીવારને જાણ કરી દેશે તેવી ધમકી આપી દારૂ પીવા માટે અવાર નવાર પૈસા પડાવતો હતો. બનાવના દિવસે પણ મૃતક કાલીસિંગે બ્લેક મેઇલીંગ કરી રૂપીયા માંગતા પોતાને ગુસ્સો આવતા નજીકમાં પડેલો પથ્થર ઉપાડી તેના માથા અને શરીરમાં મારી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ આ ઘટનાની કોઇને ખબર ન પડે તે માટે મૃતક કાલીસિંગના પુત્ર નિલેશને તેના પિતા ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડયાની જાણ કરી હતી.

મૃતક કાલીસિંગ અને આરોપી શિવરાજગઢ ગામે જ અલગ-અલગ વાડીએ મજુરી કામ કરતા હોય બંને એક બીજાને ઓળખતા હતા. પકડાયેલ આરોપી પંકેશને ગોંડલ તાલુકા પોલીસને હવાલે કરાયો છે.

(11:47 am IST)