Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ : ભાવિકો દ્વારા પિતૃતર્પણ

કાગવાસની પરંપરા : ભુદેવો દ્વારા શાસ્ત્રોકત વિધી વિધાન સાથે ભાવિકોને પૂજન-અર્ચન

રાજકોટ, તા. ર૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થયો છે. ભાવિકો દ્વારા પોતાના સ્વજનને પિતૃતર્પણ કરવામાં આવી રહ્યું છે. ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધી મુજબ પૂજન-અર્ચન કરવામં આવી રહ્યું છે.

જુનાગઢ દામોદર કુંડ, સોમનાથ પ્રભાસપાટણ તિર્થ ક્ષેત્ર, મોરબી નજીકનાં રફાળેશ્વર મંદિર ખાતે ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ૧૬ દિવસ સુધી જુદી જુદી જગ્યાએ ભાવિકો દ્વારા શ્રાદ્ધ અર્પણ કરાશે. શ્રાદ્ધ પક્ષમાં કાગવાસનો મહિમા અત્યંત છે. કાગવાસની પરંપરા હજુ સૌરાષ્ટ્રમાં નિભાવાય છે પરંતુ, પિતૃઓને પહોંચાડવા માટે છત પર કાગડા અન્ન આરોગવા ભાગ્યે જ આવે છે પરંતુ, ગાય-કુતરા રાજકોટ જેવા મહાનગરમાં પણ છુટથી મળી રહે છે.

આ દિવસોમાં દૂધ, ચોખા સાથે ખીર બનાવવાનું મહત્વ હોય છે અને આયુર્વેદની દૃષ્ટિએ હાલ પિતપ્રકોપ થતો હોય આ ખોરાકને સ્વાસ્થ્ય માટે પણ અનુકુળ મનાય છે.

આજથી ૬ ઓકટોબર સુધીના ૧૬ દિવસના શ્રાદ્ધ પક્ષમાં અલગ અલગ તિથિ પ્રમાણે પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરાશે. શાસ્ત્રો મુજબ, પડવાથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધથી કરેલું પિંડ, જળ, તર્પણ, ભોજનદાસને શ્રાદ્ધ કહેવાય છે. સામાન્યપણે શ્રાદ્ધ પક્ષ ૧૬ દિવસ નું હોય છે. જેમાં ચાલુ વર્ર્ષે ૧૬ દિવસનો જ શ્રાદ્ધ પક્ષ છે. પરંતુ તેમાં તિથિના સંયોગને પગલે વચ્ચે બે દિવસનો બ્રેક આવે છે. છઠ્ઠ અને સાતમના શ્રાદ્ધ વચ્ચે એક દિવસ ખાલી છે. જયારે ૪ ઓકટોબરના રોજ તેરસના શ્રાદ્ધ બાદ પ ઓકટોબરનો દિવસ ખાલી છે અને ૬ ઓકટોબરે ચૌદશ, પૂનમ, અમાસનું શ્રાદ્ધ એક સાથે થશે.

(11:53 am IST)