Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વિસાવદરમાં અસામાજીક તત્વોને પાસામા ધકેલવા માંગણી

શહેરની જનતા, વેપારીઓ, ખાણી-પીણીના રેકડી ધારકોને ત્રાસ આપતા ખંડણીખોરો સામે કાર્યવાહી કરવા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાની એસ.પી.ને રજૂઆત

વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાના પિતરાઇ ભાઇ રાજ રિબડીયા પર જીવલેણ હૂમલો થતાં ગંભીર હાલતમાં જુનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે.

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. વિસાવદરમાં શહેરની જનતા, વેપારીઓ તથા રાત્રીના ખાણી-પીણીની રેકડીઓ રાખીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવાતા લોકોને ખંડણીખોરો, અસામાજીકતત્વોના ત્રાસમાંથી મુકિત અપાવવા પાસામા ધકેલવા ધારાસભ્ય હર્ષદભાઇ રીબરડીયાએ જુનાગઢ એસ. પી. ને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

હર્ષદભાઇ રીબરડીયાએ વધુમાં જણાવ્યું છે કે, વિસાવદર શહેરમાં અઢારેય વરણના લોકો કોમી એકતા અને ભાઇચારાની ભાવનાથી ચેન, શુકુન અને અમનથી રહે છે અને પોત પોતાના ધંધા-રોજગાર અને કારોબાર ચલાવી રહ્યા છે આવા સંજોગોમાં હમણા છેલ્લા થોડાક સમયથી વિસાવદર શહેરમાં એક અસામાજીક લુખ્ખા ટોળકીએ જન્મ લીધો છે તે અસામાજીક ટોળકી દ્વારા વિસાવદર શહેરના વેપારીઓ પાસેથી તથા રાત્રે ફુટપાથ પર ખાણી-પીણીનો ધંધો કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા લોકોને અને નાના વેપારીઓને ગમે ત્યારે આવા તત્વો છાશવારે કાયદો હાથમાં લયને ધાક ધમકીઓ આપી મારકુટ કરી ખંડણી ઉઘરાવાની પ્રવૃતિ કરી રહ્યા છે.

ઉપરોકત અસામાજીક અને લુખ્ખાતત્વો, ગુંડાઓ કાયમ માટે જે જાહેર જીવનમાં સક્રિય અને જાગૃત લોક પુરૂષો ઉપર બે ધળકથી જીવલેણ હૂમલાઓ કરી શકતા હોય તો સામાન્ય જનતાની સલામતીનું શું ? વિસાવદર શહેરમાં તા. ૧૯-૯-ર૦ર૧ ને રાત્રીના જે ઘટના બનેલ છે તે ઘટનાના કારણે સમગ્ર વિસાવદર શહેર પંથકમાં અને અઢારેય વરણમાં એક ભયનું વાતાવરણ ઉભુ થઇ ગયેલ છે આવા લુખ્ખા, ગુંડા, ખંડણીખોરો, અસામાજીક તત્વો સામે પોલીસ કડક હાથે કામગીરી કરે અને આવી ઘટનાનું ફરીવાર પુનરાવર્તન ન થાય કારણ કે આવા લુખ્ખાતત્વો સમાજના દરેક વર્ગ માટે ખતરા રૂપી છે જેથી આવા લુખ્ખાતત્વોને પાસામાં ધકેલવા વિસાવદર શહેરની જનતા વતી વિનંતી કરી છે.

(11:54 am IST)