Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

આમરણ પંથકમાં ભારે વરસાદથી ૫૦ ટકા પાક બળી ગયો

દરિયાકાંઠાના ઝીંઝુડા - ફડસર - ઉંટબેટ - શામપર - બેલા સહિતના ગામોના ખેતરોમાં હજુ પણ અડધાથી દોઢ ફૂટ ભરાયેલ પાણી

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૨૧ : આમરણ ચોવીસી પંથકમાં ઓણસાલ આજ દિવસ સુધીમાં ૨૫ ઇંચ જેટલો માગ્યો મેહ વરસી જતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે. પરંતુ નસીબ આધારિત સૂકી ખેતીમાં વાવણીથી માંડી પાક લણણીના સમય સુધી જગતાતને અનેક કુદરતી આફતોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે બીજી બાજુ દરિયાકાંઠાના ઝિંઝુડા, ફડસર, ઉંટબેટ શામપર, બેલા ગામના ખેડૂત વર્ગમાં ઓણસાલ સારા વરસાદ પછી પણ અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયાનું જોવા - જાણવા મળે છે.

ઉપરોકત છેવાડાના ગામોમાં પડેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં છેલ્લા ૨૦ દિવસથી અડધોથી દોઢ ફુટ જેટલા પાણી ભરેલા હોવાથી ઉભેલો મોલ અતિ પાણીને સહન નહીં કરી શકતા બળી જવાની મુખ્યત્વે કપાસ અને મગફળીનો પચાસ ટકા પાક આખરે નિષ્ફળ ગયો હોવાનું જે તે ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જણાવાયું છે.

ઝિંઝુડાના અગ્રણી સમસુદ્દીનબાપુ પીરઝાદા, ફડસરના બાબુભાઇ કુંભરવાડિયા, ઉટબેટ શામપરના જેરામભાઇ પરમાર, બેલાના સરપંચ શિવલાલ કાસુન્દ્રા વગેરે આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ઓણસાલ માગ્યા મેહ વરસતા સારા વરસની આશા હતી પરંતુ છેલ્લા વીસ દિવસ દરમિયાન દરિયાકાંઠાના અમારા ગામોમાં વરસેલા ભારે વરસાદને કારણે મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક ગામની અડધાભાગની જમીન પર પાણી ભરેલ રહેતા નિષ્ફળ જવા પામ્યો છે. તદુપરાંત તલી, અજમો, અડદ, તુવેર, મગ જેવા પાકોને પણ વ્યાપક નુકસાની થઇ છે. સેંકડો વિઘા જમીનમાં ઉભેલો પાક અતિપાણીથી પ્રભાવિત થતા ખેડૂતોની મહેનત અને મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ પાછળ કરેલા ખર્ચ એળે ગયાનો વસવસો જગતાત કરી રહ્યો છે.

(1:12 pm IST)