Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સવારે વિસાવદરમાં એક કલાકમાં ર ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ, તા. ર૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.

આજે સવારે વિસાવદરમાં એક કલાકમાં ર ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : આજે સવારે એક કલાકમાં વિસાવદર પંથકમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થઇ ગયું હતું.

જુનાગઢમાં પણ સવારથી મેઘાના મંડાણ કરતા સવારના ૧૦ સુધીમાં એક ઇંચ પાણી પડયાનું નોંધાયુ હતું.

વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ સહિતના વિસ્તારોમાં સવારથી મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે વિસાવદરમાં જોરદાર મેઘાવી માહોલ સર્જાયો હતો અને સવારનાં આઠ વાગ્યે મેઘરાજા જોરદાર રીતે તૂટી પડયા હતા. સતત એક કલાક એકધારો અનરાધાર વરસાદ વરસતા ૪૩ મીમી પાણી પડયાનું નોંધાયું હતું.  બે ઇંચ વરસાદથી વિસાવદરના કેટલાંક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.  વિસાવદરની સાથે જુનાગઢમાં સવારથી મેઘાનું આગમન થયુ છે સવારના ૬ થી ૧૦ ના ૪ કલાકમાં જુનાગઢ ખાતે ર૩ મીમી અને વંથલીમાં ૩ મીમી પાણી પડયાનું નોંધાયું હતું. અન્ય વિસ્તારોના વરસાદના વાવડ નથી પરંતુ વરસાદી માહોલ છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી વિસ્તારમાં સતત આફત બની મેઘો વરસી રહ્યો છે. પોણો ઇંચ વરસ્યા બાદ કાલે ફરી બપોરબાદ સતત પોણો કલાક વરસાદ વરસતા એક ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો ખુબી તો એ હતી કે સૂર્યદેવની હાજરી હોવા છતાં સૂર્યદેવની પણ લાજ ના રાખતા મેઘા તડકા વચ્ચે પણ વરસતો રહ્યો હતો ખેડૂતો માટે આફત સમા આ વરસાદને લીધે ઉભા મોલમાં વ્યાપક નુકશાન થવાનો સંભવ હોય જગતાત ચિંતિત જોવા મળે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૩ મહત્તમ ર૬.૮ લઘુતમ ૯૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:14 pm IST)