Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સલાયા ગામે અન્‍ય બોટના રજીસ્‍ટ્રેશન નંબરનો ઉપયોગ કરી બીજી બોટ મારફતે માછીમારી કરતાં શખ્‍સ સામે ગુનો

 ખંભાળિયા,તા.૨૧ :  તાલુકાના સલાયા ગામે કરાર પાડો વિસ્‍તારમાં રહેતા અને માછીમારીના વ્‍યવસાય સાથે સંકળાયેલા સદામ હુશેન હાસમ ઈબ્રાહીમ ગાદ નામના ૨૫ વર્ષના મુસ્‍લિમ વાઘેર શખ્‍સે સલાયાના રહીશ એવા મામદ હાસમ ભાયા નામના એક આસામી પાસેથી જી.જે. ૩૭ એમ.એમ. ૧૪૧૯ નંબરનું રજીસ્‍ટ્રેશન ધરાવતી ગરીબી નામની નાની ફાયબર બોટ થોડા સમય પૂર્વે ખરીદી હતી.
ઉપરોક્‍ત શખ્‍સે આ રજીસ્‍ટ્રેશન નંબરની નાની ફાઇબર બોટના બદલે નવેસરથી મોટી બનાવી અને આ જ નામ તથા નંબરનો ઉપયોગ કરી, તેની નવી બોટમાં ગરીબી જી.જે. ૩૭ એમ.એમ. ૧૪૧૯ ના રજીસ્‍ટ્રેશન કાગળનો દુરૂપયોગ કરીને ફીસરીઝ ગાર્ડ પાસે તેની નોંધ કરાવી હતી.
આમ, ખોટી માહિતી આપીને ખોટા નામની બોટને ખરા તરીકે ઉપયોગ કરી, ઉપરોક્‍ત શખ્‍સ દ્વારા છેલ્લા આશરે દસેક માસથી માછીમારી કરવામાં આવતી હોવાનું દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ધ્‍યાને આવ્‍યું હતું.
આથી એસ.ઓ.જી. વિભાગના પોલીસ કોન્‍સ્‍ટેબલ મહાવીરસિંહ ગોહિલે ફરિયાદી બની, સદ્દામ હુસેન હાસમ ગાદ સામે આઈ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ તેની અટકાયત કરી હતી.
આ બોટના મૂળ માલિક મામદ હાસમ ભાયાને પણ ફરિયાદમાં આરોપી દર્શાવવામાં આવ્‍યા છે. જોકે તેઓ થોડા સમય પૂર્વે અવસાન પામ્‍યા હોવાનું પણ જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં તપાસ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ ચલાવી રહ્યા છે.
 ટ્રક અકસ્‍માતમાં આશાસ્‍પદ યુવાનનું કરૂણ મૃત્‍યુ
ખંભાળિયા-જામનગર હાઈ-વે પર એક ખાનગી કંપનીમાં જી.જે. ૨૫ યુ. ૨૫૮૮ નંબર એક ટ્રકના ક્‍લીનર તરીકે કામ કરતા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામના રહીશ વિક્રમસિંહ કાનાજી જાડેજાનો ૧૯ વર્ષનો પુત્ર ભગીરથસિંહ કંપનીના ડિસ્‍પેચ એરીયાના પેટકોક વિભાગના પાકિંગ એરિયામાં ટ્રક રાખી ત્‍યાં હતો, ત્‍યારે અન્‍ય એક જી.જે. ૨૫ યુ. ૭૮૩૦ નંબરના ચાલકે પોતાનો ટ્રક ભરવા માટે ર્પાકિંગમાં કાઢતી વખતે ગફલત ભરી રીતે ચલાવતા આ સ્‍થળે પોતાના ટ્રકમાં દરવાજા મારફતે ચડી રહેલા ૧૯ વર્ષીય ભગીરથસિંહ સાથે આરોપી ટ્રકના ચાલકે અકસ્‍માત સર્જતા આ યુવાન બંને ગાડી વચ્‍ચે દબાઈ ગયો હતો. જેના કારણે તેને જીવલેણ ઈજાઓ થતા તેનું કરુણ મળત્‍યુ નીપજ્‍યું હતું.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મળતક ભગીરથસિંહના પિત& વિક્રમસિંહ જાડેજાની ફરિયાદ પરથી જી.જે. ૨૫ યુ. ૭૮૩૦ નંબરના ટ્રકના ચાલક સામે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (એ) તેમજ એમ.વી. એક્‍ટ મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી હતી.
ખંભાળિયાની પરિણીતાને ત્રાસ
ખંભાળિયાના ધરમપુર વિસ્‍તારમાં પાંચવાડી ખાતે હાલ રહેતી જોશનાબેન મનીષભાઈ નકુમ નામની ૨૯ વર્ષની સતવારા મહિલાએ હાપીવાડી- હર્ષદપુર ખાતે રહેતા તેણીના પતિ મનીષભાઈ ડાયાલાલ નકુમ, સાસુ મોતીબેન ડાયાલાલ નકુમ તથા જેઠ દિલીપભાઈ સામે તેણીના લગ્ન જીવન દરમિયાન નાની નાની બાબતમાં ઝઘડો કરી, શારીરિક તથા માનસિક દુઃખ- ત્રાસ આપવા સબબ અહીંના મહિલા પોલીસ મથકમાંસ્ત્રી અત્‍યાચારની કલમ મુજબ ગુનો નોંધાવ્‍યો છે.
ભાણવડના મોડપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા
 ભાણવડથી આશરે ૧૩ કિલોમીટર દૂર મોડપર ગામે સ્‍થાનિક પોલીસે ગત બપોરે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા દિપક ગોવિંદભાઈ ગોજીયા, વિજય ભીમાભાઈ ગોજીયા, રામજી કાનજીભાઈ પાઠક અને જમન કાનજીભાઈ પાઠક નામના ચાર શખ્‍સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૮,૬૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

(11:54 am IST)