Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

‘સૌની' યોજના હેઠળ દરિયામાં જતુ પાણી રોકીને રણજીતસાગર ડેમમાં ૨૪૧ એમ.સી.એફ.ટી. પાણી ઠાલવાયું

જામનગર શહેરનો જીવા દોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થઈ જતાં નગરવાસીઓમાં હરખની હેલી : જામનગર જિલ્લાના સાત ડેમઃ અને ૨૫ ચેક ડેમો એક મહિના દરમિયાન ‘સૌની' યોજના હેઠળ છલકાવી દેવાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૧: જામનગર શહેર ના જીવાદારી સમાન રણજીતસાગર ડેમને ‘સૌની' યોજના હેઠળ ભરવાની કામગીરી ચાલી રહી હતી, દરમિયાન આજે વહેલી સવારે રણજીત સાગર ડેમ ઓવરફલો થઈ જતાં નગરજનો હરખાયા છે, અને જામનગર શહેરને પાણી પૂરું પાડતા ચારેય જળાશયો ઓવરફલો થઈ ગયા હોવાથી શહેરનું જળ સંકટ દૂર થયું છે.

જામનગર શહેરને રણજીતસાગર ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, અને પ્રતિદિન ૨૫ એમએલડી પાણી મેળવવામાં આવે છે. જે જળાશય ચાર ફૂટ જેટલો બાકી રહ્યો હતો જેને ‘સૌની' યોજનાથી ભરી દેવાયો છે, અને હાલ સાડા સત્‍યાવીસ ફૂટની સપાટી પૂર્ણ થઇ જતાં આજે વહેલી સવારે ઓવર ફલો થઈ ગયો છે, અને તેમાં ૨૪૧ એમસીએફટી પાણી, કે જે દરિયામાં વહી જતું હતું, જેને ‘સૌની' યોજના હેઠળ ડાયવર્ટ કરીને રણજીતસાગરમાં ઠાલવવામાં આવ્‍યું છે.

આ ઉપરાંત જામનગર શહેરને પાણી પૂરું પાડતાં આજી-૩, ઉન્‍ડ-૧ અને સપડા ડેમ પણ ઓવરફલો થઈ ગયા હોવાથી જામનગર શહેર માટે ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૩ સુધી ચાલે તેટલું પાણી એકત્ર થઈ ગયું છે, અને આખરે જામનગર શહેર માટે પર્યાપ્ત માત્રામાં પાણીનો જથ્‍થો સંગ્રહ થઈ જતાં જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાઅધિકારીઓ વગેરે ખુશખુશાલ બન્‍યા છે.

જામનગર જિલ્લાના રણજીતસાગર, સસોઈ, ઉન્‍ડ-૧, રૂપાવટી, સપડા, અને રંગમતી સહિતના સાત જળાશયોને ‘સૌની' યોજના હેઠળ ભરવામાં આવી રહ્યા છે, અને ગત ૨૭મી ઓગસ્‍ટથી લઈને આજ દિન સુધીમાં તમામ જળાશયોમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું હતું, જેમાં રણજીત સાગર ડેમમાં ૨૪૧ એમસીએફટી, ઉપરાંત રંગમતી ડેમમાં ૬૮ એમસીએફટી, ઉન્‍ડ-૧માં ૨૮૫ એમસીએફટી, કંકાવટી ડેમમાં ૭ એમસીએફટી, સપડા અને રૂપાવટી ડેમમાં ૧૫ એમ સી એફ ટીપાણી ઠાલવવામાં આવ્‍યું છે. જે હકીકતે દરિયામાં જઈ રહ્યું હતું, તેને રોકીને ડાયવર્ટ કરાયું છે. સાથોસાથ જામનગર તાલુકા અને લાલપુર તાલુકાના પીપરટોડા, વરણાં, જામવણથલી, મોટાખડબા, ચંદ્રાગા, લાવડીયા સહિતના ૧૫ ચેક ડેમો પણ કે જે વરસાદમાં અધૂરા રહ્યા હતા, તે તમામને ભરી દેવામાં આવ્‍યા છે.

‘સૌની' યોજના હેઠળ જિલ્લાના જળાશયોને ભરવા માટેની કામગીરી કાર્યપાલક ઇજનેર શ્રી એસ.એસ હરદયા, નાયબ કાર્યપાલક ઇજનેર આર.જે. અકબરી અને મદદની ઇજનેર આર.બી. નંદાણીયા ની રાહબરી હેઠળ ચલાવવામાં આવી રહી છે.

ᅠજામનગર શહેરને ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૩ સુધી પાણીનો જથ્‍થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્‍ધ બની જતાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્‍યુટી કમિશનર ભાવેશ જાની, વોટર વર્કર શાખાના ઇજનેર પી.સી. બોખાણી, તેમજ નગરના મેયર બીનાબેન કોઠારી, ડેપ્‍યુટી મેયર તપન પરમાર, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા વગેરેએ ખુશી વ્‍યક્‍ત કરી છે.

(1:29 pm IST)