Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલાના વિરોધમાં જામનગરમાં ધરણા પ્રદર્શન

જામનગરમાં વીએચપી અને બજરંગ દળનું પ્રદર્શન : વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળે હિન્દુ મંદિરો અને હિન્દુ સમુદાયો પર થઈ રહેલા હુમલા અટકાવવાની માંગ કરી

જામનગર, તા.૨૦ : બાંગ્લાદેશમાં છેલ્લા થોડા દિવસથી હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુ મંદિરો પર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈસ્કોન મંદિર પર પણ હુમલો થયો હતો. આ દરમિયાન થયેલા ઘર્ષણમાં કેટલાક લોકોના મોત પણ થયા હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાના ઘેરા પડઘા ભારત સહિત ગુજરાતમાં પડ્યા છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓના ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હિન્દુ મંદિરો પર હુમલો અટકાવવાની માંગ કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે મળીને આજે એક રેલી કાઢી હતી. આ દરમિયાન કાર્યકરોએ હિન્દુ મંદિરો અને હિન્દુ સમુદાયો પર થઈ રહેલા હુમલા અટકાવવાની માંગ કરી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં પણ હિન્દુઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ સરકાર પાસે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સરકાર પર દબાણ કરવાની માંગ કરી હતી. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ પરિવારોની હિજરત અટકાવવાની પણ માંગ કરી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

(8:52 pm IST)