Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વાલ્મિકી સમાજની બાળાઓનું પૂજન કરી વાલ્મિકી જયંતિની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ.

યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મિકી સમાજની બાળાઓનું પૂજન કરવાની સાથે ભોજન કરાવી તેમજ શૈક્ષણિક કીટ આપીને સમાનતા, બધુંતા અને એકતાનો સંદેશ આપ્યો

મોરબી : મોરબીમાં સર્વધર્મ સમભાવની ભાવનાને કાયમ દીપાવી લોકોમાં દેશભાવના અંખડ રાખવામાં સક્રિય પ્રયાસો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકી સમાજની બાળાઓનું પૂજન કર્યું હતું. તેમજ વાલ્મીકી સમાજની બાળાઓને શુદ્ધ આરોગ્યપ્રદ આહારનું ભોજન કરાવી શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તે માટે શૈક્ષણિક કીટ આપી હતી. આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મિકી સમાજને આદર સાથે ગૌરવ આપીને સમાનતા, બધુંતા અને એકતાનો સંદેશ આપ્યો છે.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવાના આનંદ હેઠળ મહર્ષિ વાલ્મીકીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાલ્મીકી જયંતિ નિમિતે આજે વાલ્મિકી સનાજના વસાહતમાં જઈ વાલ્મીકી સમાજની બાળાઓની આદર-સ્તકાર અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજા કરી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ વાલ્મીકી સમાજની બાળાઓની પૂજા કરવાની સાથે ભોજન કરાવ્યું હતું. તેમજ આ બાળાઓ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડી સમાજમાં મોભાદાર સ્થાન મેળવે એ માટે તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને મહર્ષિ વાલ્મીકીના જીવનમાંથી બાળકો શીખ લઈને દેશ અને સમાજનો સમતોલ વિકાસ કરે તેવો આ કાર્યક્રમ થકી મેસેજ અપાયો હતો.

યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ વાલ્મીકી જયંતિ નિમિત્તે સમાનતા, એકતા અને બધુંતાની ભાવના કાયમ માટે જળવાઇ રહે તે માટે વાલ્મીકી સમાજના લોકો સાથે સંવાદ કરીને આત્મીયતા કેળવી હતી. આ તકે વાલ્મીકી યુવા સંગઠનના સભ્યો મનોજભાઈ સોલંકી તથા મહેન્દ્રભાઈ પુરબીયા તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે,આપણે સૌ મહર્ષિ વાલ્મીકીને રામાયણના રચિયતા તરીકે આદર કરીએ છીએ. પરંતુ તેમના જીવનમાંથી બંધુતા, એકતા અને સમાનતાની શીખ મળે છે. આજે પણ આપણી વચ્ચે મહર્ષિ વાલ્મીકીના નામથી એક એવો સમાજ રહે છે કે જે વર્ષોથી સમાજમાંથી મેલું દૂર કરવાની કામગીરી કરે છે. પણ તેમના કામને લીધે હજુ પણ આ વાલ્મીકી સમાજ દેશની મુખ્ય સમાજધારા સાથે જોડાવવા મથામણ કરી રહ્યો છે. તેથી આજના આ દિવસે સમગ્ર દેશમાં વાડાબંધીની જડતા દૂર થાય અને ભારતીયતાની ભાવના કેળવાઈ તે માટેનો અમારો આ એક નાનકડો પ્રયાસ છે.

(10:43 am IST)