Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

તાળાબંધીની અસરથી તાત્કાલીક આરોગ્ય અધિકારીની વ્યવસ્થા : હળવદના મયુરનગરના ગ્રામજનોની લડતની જીત

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૧: તાલુકાના મયુરનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર સમયસર હાજર ન રહેતા આખરે ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવામાં આવી હતી જોકે આજે તાલુકા હેલ્થ ઓફિસર મયુરનગર ગામે દોડી ગયા હતા અને હાલ અન્ય મેડિકલ ઓફિસરની મયુર નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાળા ખોલાવ્યા હતા.

હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ દવાખાને અને આરોગ્ય અધિકારી દ્યરે હોય તેવા દ્રશ્ય જોવા મળતા હતા જેથી આ અંગેની રજૂઆત ગ્રામજનો દ્વારા તાલુકા,જિલ્લા તેમજ રાજયકક્ષા સુધી કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા નાછૂટકે બે દિવસ પહેલા ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્રને તાળાં મારી દઇ જયાં સુધી મેડિકલ ઓફિસર કાયમી ન મુકાય ત્યાં સુધી તાળાબંધી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જેથી તાળાબંધીની અસરથી તાત્કાલિક ધોરણે હળવદ તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર ભાવિનભાઈ ભટ્ટી સહિતનો સ્ટાફ મયુરનગર ગામે દોડી ગયો હતો અને ગ્રામજનો સાથે બેઠક કરી અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીને સોમથી શનિ સુધી મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજર રહેશે તેવી ખાત્રી આપ્યા બાદ ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્રનું તાળું ખોલવામાં આવ્યું હતું.

(11:02 am IST)