Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વઢવાણના રાજપર ગામના તળાવમાં ૨૦ હજારથી વધુ માછલાના મોત

માછલાના મૃતદેહો તણાઇ અને તળાવના કાંઠે આવ્યા : ગામમાં દુર્ગંધના કારણે રોગચાળો ફેલાયો : તળાવનું પાણી ખાલી કરી નવું ભરવા ગ્રામજનોએ માગણી કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૧ : સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે વઢવાણ તાલુકામાં સારા વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવમાં નવા પાણીની આવક થઇ છે અને હાલ છલોછલ પાણીથી ભરાઇ ચૂકયા છે તેવા સંજોગોમાં જિલ્લાના અનેક તળાવો છેલ્લા અનેક વર્ષોથી સાફ સફાઈ ન કર્યા હોય જેને લઇને આ તળાવના પાણી ગંદા બની જવા પામ્યા છે અને જેનું ટીડીએસ પણ વધારે આવી રહ્યું છે.

આવા તળાવો માં રહેલું પાણી હવે વાપરવા લાયક ન રહ્યું હોવાનું પણ આરોગ્ય તંત્ર અને પાણી પુરવઠાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામમાં આવેલું તળાવ પણ છેલ્લા અનેક વર્ષોથી સાફ સફાઇના અભાવે પાણી ગંદુ બની જવા પામ્યો છે અને કેમિકલ યુકત બની જવા પામ્યું છે.જેને લઈને અવાર-નવાર રાજપર ગામમાં આવેલા તળાવમાં જળસંચય પ્રાણીઓના મોત નિપજયા છે.

એક જ રાત્રિમાં રાજપર ગામમાં આવેલા તળાવમાં ૨૦,૦૦૦થી વધુ માછલીઓના મોત નિપજયા છે.જેને લઈને ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે બીજી તરફ રાજપર ગામમાં રાત્રી દરમિયાન માછલાના મોત થતાં તળાવ આખું મરેલા માછલાથી ભરાઈ ચૂકયો છે. જેને લઇને જીવ દયા પ્રેમીઓ અને રાજપર ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

એક જ રાત્રિમાં ૨૦,૦૦૦ જેટલા માછલાઓના મૃતદેહ તળાવમાં તરતા નજરે પડ્યા છે અને અમુક માછલાં આ મૃતદેહો નદીકાંઠે આવી અને દુર્ગંધ ફેલાવી રહ્યા છે. આ મામલે તાત્કાલિકપણે સુરેન્દ્રનગર વિકાસ અધિકારી તેમજ સરપંચ અને તલાટીનો સંપર્ક સાધી અને પાણીના નમૂના લેવામાં આવે અને યોગ્યતા પૂર્વક કરી લેબ ટેસ્ટિંગ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.

સતત બીજા વર્ષે તળાવમાં માછલા અને જળ સંચય પ્રાણીઓના મોત નિપજતા ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે અનેક વખત લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હોવા છતાં પણ કોઈ જાતના રિપોર્ટ આપવામાં ન આવતા ગ્રામજનો આ પાણી ઉપયોગમાં લઇ રહ્યા છે તેવા સંજોગોમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તળાવમાં રહેલા પાણીનું ટીડીએસ લેવલ કોઈપણ જાતનું યોગ્યતા પૂર્વક નથી તેને લઈને આ ગામનું તળાવનું પાણી વાપરવું યોગ્ય નથી.

રાજપર ગામના સરપંચનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે રાજપર ગામમાં આવેલા તળાવમાં પાણી વાપરવા યોગ્ય નથી પરંતુ તે છતાં પણ ગામમાં યોગ્ય પાણી વિતરણની વ્યવસ્થા ન હોય અને ગામ સુધી હજુ નર્મદાના પાણી પહોંચ્યા ન હોવાના કારણે અને પાઇપલાઇનના અભાવના કારણે સમગ્ર ગ્રામજનો પીવા તથા ઘર વપરાશના કામોમાં આ પાણી ઉપયોગમાં લઇ રહ્યા છે જેને લઇને ૬૭% ગ્રામજનોને ચામડીના રોગો છે ત્યારે આ મામલે ઘણી વખત રજૂઆત કરી છે તે છતાં પણ તંત્ર કોઇ યોગ્ય ન્યાય કરતું નથી અને ગામ સુધી પીવાના પાણીની પાઈપલાઈન કરતું નથી આગામી દિવસોમાં આ મામલે જો તંત્ર નહીં વિચારે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ તળાવ ખાસ કરી રાજપર ગામની વચ્ચોવચ આવેલું છે ગામમાં રહેવું પણ હવે ગ્રામજનો માટે કઠિન બન્યો છે તેવા સંજોગોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ગામમાં આવેલું છે ત્યાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હાલમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ભરાઇ જવા પામ્યું છે.

તળાવમાંથી ગ્રામજનો અને પશુપાલકો દ્વારા આ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ લેબ ટેસ્ટિંગ દરમિયાન આ પાણી વાપરવા યોગ્ય ન હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું છે તે છતાં પણ કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે અને વિકલ્પી વ્યવસ્થા પણ ન હોવાના કારણે ગ્રામજનો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વપરાશમાં આવી શકે નહીં તેવું પણ તળાવ માંથી ખાલી કરી અને નર્મદાની કેનાલમાં પડે નવું ભરવામાં આવે તેવી માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

(11:04 am IST)