Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પોરબંદરમાં ભૂતકાળમાં ઉદ્યોગો કોના રાજમાં બંધ થયા હતા ? : ભાજપનો કોંગ્રેસના આગેવાનોને સવાલ

પોરબંદર, તા. ૨૧ :. ભાજપના રાજમાં પોરબંદર ઔદ્યોગિક ક્ષેત્રે પાયમાલ થયું હોવાનું કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડીયાના નિવેદનની સામે કિરીટભાઈ મોઢવાડીયા-પ્રમુખ, જિલ્લા ભાજપ-પોરબંદર, અશોકભાઈ મોઢા, ખીમજીભાઈ મોતીવરસ, મહામંત્રીઓ જિલ્લા ભાજપ-પોરબંદર પોતાના સંયુકત નિવેદનમાં જણાવેલ કે હકીકતમાં પોરબંદર ઔદ્યોગિક ક્ષેત્રે પાયમાલ કોંગ્રેસના રાજમાં અને કોંગ્રેસના પાપે થયું છે. સાથે સાથે ભાજપના આગેવાનો કોંગ્રેસના આગેવાનને એવો અણીયારો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભૂતકાળમાં પોરબંદરના ઉદ્યોગો કોના રાજમાં બંધ થયા હતા ?

ભાજપના આગેવાનોએ જણાવેલ છે કે પોરબંદરને ઔદ્યોગિક ક્ષેત્રે પાયમાલીના પંથેથી બચાવવા અને ડેડસીટી બનતું અટકાવવા કોંગ્રેસના આગેવાન મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેઓના રાજમાં પોરબંદરના ઉદ્યોગો એક પછી એક બંધ થતા ગયા, ઔદ્યોગિક ક્ષેત્રે પોરબંદર પાયમાલ થતું ગયું હતું તે વખતે આ આગેવાનને આ પ્રકારની રજૂઆત કરવાનું યાદ કેમ ન આવ્યું ? કોંગ્રેસના આગેવાન અઢી દાયકામાં બંધ થયેલા ઉદ્યોગોનું જે લાંબુ લીસ્ટ આપી રહ્યા છે તે ઉદ્યોગો કયારે અને કોના રાજમાં બંધ થયા ? તેની વિગતો પણ કોંગ્રેસના આગેવાનોએ પોરબંદરની જનતા સમક્ષ રાખવાની જરૂર છે. કોંગ્રેસના આગેવાન બંધ થયેલા જે ઉદ્યોગોનું લીસ્ટ આપેલ છે તે તમામ ઉદ્યોગો કોંગ્રેસના રાજમાં અને કોેંગ્રેસના પાપે અને કામદારોને કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવેલ ઉશ્કેરણીના પરીણામે બંધ થયા છે.

ભાજપના આગેવાનોએ ઓરીએન્ટ ફેકટરી બંધ થવા અંગે જણાવેલ કે, ફેકટરીના સંચાલકો ફેકટરી બંધ થવા પાછળ સરકારને દોષિત ઠેરવી રહ્યા છે પરંતુ હકીકતમાં ફેકટરીના સંચાલકોના વાંકે ફેકટરી બંધ કરવાની નોબત આવી છે કારણ કે ફેકટરીના સંચાલકો પાસે બોકસાઈટ ખનિજને લગતી મોટી લીઝો આવેલી હતી પરંતુ ફેકટરીના સંચાલકોએ પોતાની સ્થાનિક ફેકટરીઓ માટે બોકસાઈટ ખનિજનો જથ્થો રીઝર્વ રાખવાને બદલે મોટા ભાગનું ખનિજ વિદેશોમાં નિકાસ કરી દીધેલ છે, આથી હવે તેઓ પાસે સ્થાનિક ફેકટરીઓ ચલાવવા માટે બોકસાઈટ ખનિજનો જથ્થો ઉપલબ્ધ નથી.

(11:44 am IST)