Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગોંડલ કોર્ટ દ્વારા સાવકી દિકરીને ખેતીની જમીનમાંથી ચોથો ભાગ આપવાનો આદેશ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૧ : સાવકી દિકરીને વડીલોપાર્જીત મિલ્કત ખેતીની જમીનમાંથી ચોથો ભાગ આપવાનો ગોંડલ કોર્ટે હુકમ કર્યો હતો.

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના મોહનભાઈ જસમતભાઈ વોરા એ તેની પ્રથમ પત્ની લાભુબેનને સને–૧૯૭૨માં છુટાછેડા આપેલા તે પ્રથમ લગ્નજીવનથી સંતાનમાં એક દિકરી નામે ભાનુબેન તથા બે દિકરાઓ નામે રમેશભાઈ તથા ગોપાલભાઈના જન્મ થયેલા પરંતુ છુટાછેડા વખતે જ મોહનભાઈએ તેના પ્રથમ લગ્નજીવનથી થયેલ ત્રણેય સંતાનોનો કબજો તેના પ્રથમ પત્નીને આપેલ ત્યારબાદ મોહનભાઈએ બીજા લગ્ન સરોજબેન સાથે કરતા તેનાથી એક પુત્રી નામે પારૂલબેનનો જન્મ થયેલ. મોહનભાઈ જસમતભાઈ વોરા પાસે વડીલોપાર્જીત ખેતીની જમીન આવેલ હતી જે જમીનમાથી મોહનભાઈનીઙ્ગ પ્રથમ પત્નીનાં પુત્રી ભાનુબેન વાઈફ ઓફ રમણીકભાઈ રાદડીયાએ ભાગ મળવા માંગણી કરતા મોહનભાઈએ ભાગ આપવાનો ઈન્કાર કરતા ગોંડલ કોર્ટમાં વડીલોપાર્જીત મિલકતનુ પાર્ટીશન કરી ભાગ મળવા તેના પિતા તથા ઓરમાન બેન તથા બન્ને ભાઈઓ સામે સ્પે.દિ.કે.નં.૯૭/૨૦૧૧ થી દાવો દાખલ કરેલ.

જેમાં ચાલુ દાવે મોહનભાઈએ દાવાવાળી મિલકત ખેતીની જમીનના અમુક ભાગનુ અન્યને વેચાણ કરી નાખતા તેને પક્ષકાર જોડી દસ્તાવેજ રદ કરવાની દાદ માગવામા આવેલ અને બાકી રહેતી મિલકતનુ મોહનભાઈએ તેના બીજા લગ્નથી થયેલ દિકરી પારુલબેનની તરફેણમાં વીલ કરી આપેલ તે વીલ દાવામા ૨જુ થતા તે વીલ પણ વાદી ભાનુબેન ને બંધનકર્તા નથી તેવુ ઠરાવી આપતી દાદ દાવામા જરૂરી સુધારો કરી માંગવામા આવેલ જે દાવો ચાલી જતા વાદી ભાનુબેન ૨મણીકભાઈ રાદડીયા ના વકીલ નિરંજય એસ. ભંડેરી એ દલીલો કરી જણાવેલ કે દાવો હિન્દુ વારસા ધારામાં સને–૨૦૦૫ માં સુધારો આવ્યા બાદ દાખલ કરવામાં આવેલ છે અને તે સુધારા મુજબ દિકરીને પણ દિકરાની માફક વડીલોપાર્જીત મિલકતમાથી હક્કો પ્રાપ્ત થાય છે. દાવાવાળી મિલકત વડીલોપાર્જીત હોય જેથી તેનુ વીલ થઈ શકે નહી તે સિવાય હિન્દુ વારસા ધારા ઉપર ગત વર્ષે–૨૦૨૦માં સર્વોચ્ય અદાલતે આપેલ ચુકાદો તથા અન્ય ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ ઉપર આધાર રાખેલ તેમજ ગુજરાતી મહાશબ્દકોષ ભગવદ્રોમંડલમાં વડીલોપાર્જીત મિલકત અને સ્વપાર્જીત મિલકત કોને કહેવાય તેની ઉપર આધાર રાખી રજુઆત કરતા ગોંડલના મહે. એડી. સિનિયર સિવિલ જજ શ્રી એમ.વી.ચોકસી એ વાદીનો દાવો મંજુર કરી દાવાવાળી મિલકતમાંથી ૧/૪ ભાગ વાદીને આપવાનો તા–૧૩/૧૦/૨૦૨૧ ના રોજ હુકમ કરેલ છે.

આ કામમાં વાદી ભાનુબેન વાઈફ ઓફ ૨મણીકભાઈ રાદડીયા વતી એડવોકેટસ નિરંજય એસ. ભંડેરી, રવિરાજ પી. ઠકરાર તથા વરીષ્ઠ ધારાશાસ્ત્રી શિવપ્રસાદ પી. ભંડેરી રોકાયેલા હતા.

(11:44 am IST)