Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વિંછીયાના થોરીયાળી પાસે બાયોકોલ ભરેલો ટ્રક વોંકળામાં ખાબકતા કલીનર ધર્મેશભાઇનું મોત

ટ્રક નીચે ફસાયેલા કલીનરનો મૃતદેહ જેસીબી અને ક્રેનની મદદથી બહાર કઢાયો

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા. ૨૧: વિંછીયા તાલુકાના થોરીયાળી ગામ નજીક આવેલ ઉંડા વોંકળામાં બાયોકોલ ભરેલો ટ્રક અચાનક ખાબકતા કલીનરનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, ગત મંગળવારે રાત્રીના ૯ વાગ્યા આસપાસ ૨૫ ટન બાયોકોલ ભરેલો ટ્રક જસદણથી પાળીયાદ તરફ જતો હતો. ત્યારે વિંછીયાના થોરીયાળી ગામ નજીક પહોંચતા અચાનક ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી બેસતા ટ્રક ૧૫થી૨૦ ફૂટ ઉંડા હોંકળામાં ખાબકયો હતો. જેમાં ટ્રકના કલીનર ધર્મેશભાઈ બોદ્યાભાઈ માનકોલીયા(ઉ.વ.૧૯)(રહે-ગોડલાધાર,તા-જસદણ) ટ્રકની નીચે દટાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જયારે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માતની જાણ થતા સેવાભાવી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને કલીનરના મૃતદેહને ક્રેન અને જેસીબીની મદદથી સતત ત્રણ કલાકની મહેનત બાદ બહાર કાઢી પીએમ અર્થે વિંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા વિંછીયા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:49 pm IST)