Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જામનગર જિલ્લામાં નવી રસી ન્યુમોકોકલ કોંજુગેટ (PCV)નું લોન્ચીંગ

બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવ જેવા જીવલેણ રોગથી રક્ષિત કરવા

જામનગર તા.૨૧: ભારત સરકારના નિયમિત રસીકરણ કાર્યક્રમમાં એક નવી વેકિસન ન્યુમોકોકલ કોંજુગેટ PCVને શામેલ કરવામાં આવી છે. બાળકોમાં ન્યુમોકોકસ બેકટેરિયા દ્વારા થનારી બીમારીઓ જેવી કે ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં આ રસી મદદરૂપ સાબીત થશે. ન્યુમોકોકલ બીમારીના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે અને તેમનું મૃત્યુ પણ થઇ શકે છે તેમજ પરિવાર પર ભારે આર્થિક ભારણ આવી શકે છે. ન્યુમોનિયા ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું એક મુખ્ય કારણ છે અને ન્યુમોકોકસ બેકટેરિયા એ ન્યુમોનિયાનું મુખ્ય કારણ છે. PCV ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ન્યુમોનિયાના મુખ્ય કારણ ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક માધ્યમ છે. ખાનગી ક્ષેત્રે ૨ થી ૨.૫ હજારમાં મળતી આ રસી PCV જે દેશભરમા નિયમિત રસીકરણ અંતર્ગત સરકાર દ્વારા વિનામુલ્યે આપવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં દરેડ ખાતેથી જિલ્લા કક્ષાના PCVવેકસીન લોંચીગ કાર્યક્રમની જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા,  જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી,  જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.બથવારના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય સમિતીના ચેરમેન જગદિશભાઇ સંગાણી, સરપંચ રમીલાબેન રૂપાપરા, ટી.એચ.ઓ. ડો.ગુપ્તા, જિલ્લા પંચાયત સદસ્ય વિનોદભાઇ વાડોદરીયા તથા કમલેશભાઇ ધમસાણીયા, ટી.ડી.ઓ. સરવૈયા સહિતના આગેવાનો તથા ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતમાં સાર્વત્રીક રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જયારે જામનગર શહેરમાં મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમનો મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મ્યુ. કમીશનરશ્રી વિજય ખરાડી, આરોગ્ય સમિતીના ચેરમેન શ્રીમતી ડીમ્પલબેન રાવલ, શાસક પક્ષ નેતા શ્રીમતી કુસુમબેન પંડયા સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો હતો.

રાજય સરકાર દ્વારા મિશન ઈન્દ્રધનુષ, બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, દુધ સંજીવની યોજના વગેરે જેવા બાળ આરોગ્ય લક્ષી કાર્યક્રમો અમલમાં છે. ત્યારે ન્યુમોકોકલ કોંજુગેટ PCVને પણ સરકાર દ્વારા બાળકોના નિયમીત રસીકરણના કાર્યક્રમમાં સમાવવામાં આવતા તે બાળકોમાં ન્યુમોનીયા જેવા ચેપી રોગો સામેના રક્ષણનું અમોઘ શસ્ત્ર સાબીત થશે.

(1:19 pm IST)